સત્ય. સાહસ. સંકલ્પ.

નોહરમાં કોંગ્રેસના 20 વર્ડ જીત્યા, પણ અધ્યક્ષપદ ભાજપ સમર્થિત અપક્ષ મુસ્લિમ મહિલાના હાથમાં

નોહરમાં કોંગ્રેસના 20 વર્ડ જીત્યા, પણ અધ્યક્ષપદ ભાજપ સમર્થિત અપક્ષ મુસ્લિમ મહિલાના હાથમાં

રાજસ્થાનના નોહર નગરપાલિકાની ચૂંટણીમાં ચોંકાવનારો પલટો આવ્યો છે. 14 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 40માંથી 20 વોર્ડ જીત્યા હતા, ભાજપને ફક્ત 2 બેઠકો મળી હતી અને 18 બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. આંકડા જોતાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત લાગતો હતો.

પરંતુ સોમવારે અધ્યક્ષપદની ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું. ભાજપે અપક્ષ તરીકે જીતેલા 62 વર્ષીય મુસ્લિમ મહિલા હાજન ખાતુન તકને પોતાની સાથે જોડી લીધા અને તેમને અધ્યક્ષપદના ઉમેદવાર બનાવ્યા. સાત દિવસ ચાલેલી પડદા પાછળની રાજકીય જોડતોડ પછી જ્યારે કાઉન્સિલરોએ મતદાન કર્યું, ત્યારે હાજન ખાતુન તકને 20 અને કોંગ્રેસના ઉમેદવાર સુમિત ચાચનને પણ 20 મત મળ્યા. આમ 20-20 મતની બરાબરી થઈ ગઈ. ફક્ત 2 બેઠક ધરાવતી ભાજપના ઉમેદવાર સુધી 20 મત પહોંચી ગયા.

નિયમ મુજબ ફરી મતદાનની જોગવાઈ ન હોવાથી વિજેતા નક્કી કરવા લોટરી પદ્ધતિ અપનાવવામાં આવી. એક નાની બાળકીએ કાગળની વાળેલી પર્ચી ઉપાડી, જેમાં હાજન ખાતુન તકનું નામ નીકળ્યું. આ સાથે ભાજપ સમર્થિત હાજન ખાતુન તક નોહર નગરપાલિકાના નવા અધ્યક્ષ જાહેર થયા.

હાજન ખાતુન તકનો પરિવાર અગાઉથી રાજકારણમાં સક્રિય છે. તેમના દિવંગત પતિ મંજૂર અલી તક પણ આ જ નગરપાલિકાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ રાજસ્થાન સરકારના પૂર્વ રાજ્ય મંત્રી મેહરુનિસ્સા તકનાં સાસુ છે.

બીજી તરફ, ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાચનના નજીકના સહયોગીઓ અને નેતાઓના ઘરો પર પોલીસે જમીન કૌભાંડના મામલે નોટિસ ચોંટાડી હતી. આ કાર્યવાહીએ પણ રાજકીય ગરમાવો વધાર્યો હતો અને ચર્ચા જગાવી હતી.