સત્ય. સાહસ. સંકલ્પ.

નોએલ ટાટા 12 નવેમ્બરે 70 વર્ષના થશે, 6 કંપનીઓના બોર્ડમાંથી હટશે

નોએલ ટાટા 12 નવેમ્બરે 70 વર્ષના થશે, 6 કંપનીઓના બોર્ડમાંથી હટશે

ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા 12 નવેમ્બરે 70 વર્ષના થવા જઈ રહ્યા છે. ટાટા ગ્રુપની નિવૃત્તિ નીતિ હેઠળ તેઓ સમૂહની છ મુખ્ય કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપશે. જોકે, તેઓ ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.

આ ફેરફાર એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની ફરી નિમણૂક, ટાટા સન્સના લિસ્ટિંગ અને ગ્રુપના ગવર્નન્સ નિયમોને લઈને મતભેદ ચાલી રહ્યા છે.

કઈ છ કંપનીઓના બોર્ડમાંથી હટશે?

નોએલ ટાટા ટ્રેન્ટ, વોલ્ટાસ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા ઇન્ટરનેશનલ, ટ્રેન્ટ હાઇપરમાર્કેટ પ્રાઇવેટ લિમિટેડ અને દુબઈ સ્થિત ટાટા ઇન્ટરનેશનલ વેસ્ટ એશિયા DMCCના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી હટશે. આ ઉપરાંત, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના નોન-એક્ઝિક્યુટિવ વાઇસ-ચેરમેન તથા ઇન્ડિટેક્સ ટ્રેન્ટ રિટેલ ઇન્ડિયાના ડિરેક્ટર પદેથી પણ રાજીનામું આપશે.

શું કોઈ ઓપરેટિંગ કંપનીમાં યથાવત્ રહેશે?

હા, તેઓ ટ્રેન્ટ લિમિટેડ અને ટેસ્કોના સંયુક્ત સાહસ 'ટ્રેન્ટ હાઇપરમાર્કેટ લિમિટેડ'ના બોર્ડમાં યથાવત્ રહેશે. આ કંપની સ્ટાર બજાર અને સ્ટાર ડેઇલી નામે રિટેલ સ્ટોર્સનું સંચાલન કરે છે.

70 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિયમ શું છે?

ટાટા ગ્રુપના ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે નિવૃત્તિની ઉંમર 65 વર્ષ અને નોન-એક્ઝિક્યુટિવ/નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ માટે 70 વર્ષ છે. નોએલ ટાટા 12 નવેમ્બરે 70 વર્ષના થઈ રહ્યા છે, તેથી તેઓ નીતિનું પાલન કરતાં ઓપરેટિંગ કંપનીઓના બોર્ડમાંથી હટી રહ્યા છે.

ટાટા સન્સના બોર્ડમાં કેવી રીતે ચાલુ રહેશે?

ટાટા સન્સમાં તેમની ભૂમિકા અલગ છે. તેઓ ત્યાં કોઈ ઓપરેટિંગ કંપનીના ડિરેક્ટર તરીકે નહીં, પરંતુ ટાટા ટ્રસ્ટ્સના 'નોમિની ડિરેક્ટર' તરીકે જોડાયેલા છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સનો આશરે 66% હિસ્સો છે. હોલ્ડિંગ કંપનીમાં શેરધારક દ્વારા નિયુક્ત કરવામાં આવતા ડિરેક્ટરોના નિયમો ઓપરેટિંગ કંપનીઓના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોથી અલગ હોય છે, તેથી તેઓ ટાટા સન્સના બોર્ડમાં ચાલુ રહેશે.

આ છ કંપનીઓ પર શું અસર પડશે?

ટ્રેન્ટ, વોલ્ટાસ, ટાટા ઇન્ટરનેશનલ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં નવા ચેરમેનની નિમણૂક કરવી પડશે. બીજી તરફ, ટાટા સ્ટીલ અને ટાઇટનમાં વાઇસ-ચેરમેનનું પદ ખાલી થશે. કોર્પોરેટ ગવર્નન્સ નિષ્ણાતોનું માનવું છે કે પ્રમોટર પરિવાર અથવા પ્રભાવશાળી પદ પર રહેલી વ્યક્તિ દ્વારા નિવૃત્તિના નિયમોનું પાલન કરવું સંસ્થાકીય શિસ્તનો સારો સંકેત છે.

એન. ચંદ્રશેખરન સાથે વિવાદ શું છે?

વિવાદ એન. ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળને લઈને છે. 17 સપ્ટેમ્બરે ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને 21 ફેબ્રુઆરી 2027થી આગામી 5 વર્ષ માટે ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને બહુમતીથી મંજૂર કર્યો હતો. નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો હતો.

નોએલ ટાટાના જણાવ્યા મુજબ, ટાટા સન્સના આર્ટિકલ્સ ઑફ એસોસિએશન હેઠળ કોઈપણ નિર્ણય માટે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત ડિરેક્ટર્સની મંજૂરી અનિવાર્ય છે. ટાટા સન્સના બોર્ડમાં ટ્રસ્ટ્સના બે નોમિની ડિરેક્ટર્સ નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન છે. શ્રીનિવાસને પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, જ્યારે નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો હતો. નોએલ ટાટાનું તર્ક છે કે બહુમતી અથવા ચેરમેનનો કાસ્ટિંગ વોટ ટ્રસ્ટના નોમિનીની મંજૂરીનો વિકલ્પ બની શકે નહીં.

26 ઑક્ટોબરના પત્રમાં કયા નવા સવાલો ઉઠાવ્યા છે?

નોએલ ટાટાએ ટાટા સન્સના કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખોપાધ્યાયને પત્ર લખીને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી (MCA)માં ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ સંબંધિત ફાઇલિંગ્સ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે 17 સપ્ટેમ્બરની બેઠકની અંતિમ મિનિટ્સ, મતદાનનો રેકોર્ડ અને ઑડિયો-વિડિયો રેકોર્ડિંગ્સ માંગી છે. આ ઉપરાંત, તેમણે પૂછ્યું છે કે શું ફરીથી નિમણૂક માટે નિર્ધારિત પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી અને શું ચંદ્રશેખરન તથા શ્રીનિવાસનના પરિવારો સાથે જોડાયેલા બિઝનેસ સોદાઓમાં હિતસંઘર્ષ તો નથી ને?