ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ (Trent)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કંપનીના ચેરમેન નોએલ ટાટા 11 નવેમ્બરે 70 વર્ષના થશે. ટાટા ગ્રુપની નિવૃત્તિ નીતિ હેઠળ તેઓ ચેરમેન પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. નોએલ ટાટા 1997થી કંપની સાથે જોડાયેલા હતા. તેઓ 1999માં મેનેજિંગ ડિરેક્ટર (MD) બન્યા અને 2014થી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.
નોએલ ટાટાના નેતૃત્વમાં વેસ્ટસાઇડ (Westside) અને ઝુડિયો (Zudio) જેવી બ્રાન્ડ્સે નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. હવે 11 નવેમ્બરથી તેમને ચેરમેન એમેરિટસ (Chairman Emeritus) બનાવવામાં આવશે. તેમની જગ્યાએ AZB & Partners લો ફર્મના સહ-સંસ્થાપક બેહરામ વકીલ 12 નવેમ્બરથી નવા ચેરમેન બનશે. આ ઉપરાંત, રાજીવ દુબે અને કલ્પના મર્ચન્ટને પણ બોર્ડમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નોએલ ટાટાએ જણાવ્યું કે ટ્રેન્ટના શ્રેષ્ઠ દિવસો હજુ આવવાના બાકી છે.
ટ્રેન્ટે જણાવ્યું છે કે નોએલ ટાટાએ તેમના કાર્યકાળ દરમિયાન કંપનીને યોગ્ય દિશા આપી છે. તેમના નેતૃત્વમાં કંપનીએ બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે અને સતત વૃદ્ધિ નોંધાવી છે. બોર્ડે છેલ્લાં 29 વર્ષ દરમિયાન કંપની માટે આપેલા યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
આ ફેરફાર ટાટા ગ્રુપના નિયમો હેઠળ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં બોર્ડની રચના અને ડિરેક્ટર્સની નિવૃત્તિ અંગેની જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે 12 નવેમ્બરથી તેમને Chairman Emeritus બનાવવામાં આવશે. તેમના લાંબા સમયના યોગદાનને સન્માન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોર્ડે આ સાથે વધુ બે મોટા નિર્ણયો લીધા છે. રાજીવ દુબેની 30 ઓક્ટોબરથી એડિશનલ ડિરેક્ટર (Additional Director) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. જોકે, આ નિમણૂક માટે શેરહોલ્ડર્સની મંજૂરી લેવી જરૂરી રહેશે.
બીજી તરફ, કલ્પના મર્ચન્ટને 30 ઓક્ટોબર, 2026થી ત્રણ વર્ષ માટે ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર (Independent Director) બનાવવામાં આવ્યાં છે. આ નિમણૂક માટે પણ શેરહોલ્ડર્સની મંજૂરી જરૂરી છે.
આ તમામ ફેરફારો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ટ્રેન્ટ પોતાના રિટેલ બિઝનેસનો ઝડપથી વિસ્તાર કરી રહી છે. કંપનીની વેસ્ટસાઇડ અને ઝુડિયો જેવી બ્રાન્ડ્સ ખૂબ લોકપ્રિય છે. આ ઉપરાંત, કંપની સ્ટાર (Star) નામથી ફૂડ અને ગ્રોસરીનો બિઝનેસ પણ ચલાવે છે.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 25%નો વધારો થયો છે અને તે વધીને ₹468 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવકમાં 22%નો વધારો નોંધાયો છે અને તે વધીને ₹5,873 કરોડ થઈ છે. બેહરામ વકીલની નિમણૂકને બોર્ડના નેતૃત્વમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. કંપની હવે ફેશન, લાઇફસ્ટાઇલ અને ગ્રોસરી ક્ષેત્રમાં પોતાના બિઝનેસનો વિસ્તાર વધુ ઝડપથી કરવા માગે છે.