સ્ટોકહોમ સ્થિત કરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલીએ વર્ષ 2026 માટે મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવાની જાહેરાત કરી છે. આ સન્માન અમેરિકાના કાર્લ ડિસેરોથ તથા જર્મનીના પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને એનાયત થશે.
ત્રણેય વૈજ્ઞાનિકોને ‘લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ’ અને ‘ઑપ્ટોજેનેટિક્સ’ની શોધ બદલ આ પુરસ્કાર મળ્યો છે. આ ટેકનિક દ્વારા પ્રકાશની મદદથી મગજના કોષોને નિયંત્રિત કરી શકાય છે.
ઑપ્ટોજેનેટિક્સ એ અદ્યતન પદ્ધતિ છે, જેમાં પ્રકાશનો ઉપયોગ કરીને જીવંત મગજમાં ન્યુરોન કોષોને સક્રિય કે નિષ્ક્રિય કરી શકાય છે. અગાઉ વિજ્ઞાનીઓ મગજની કામગીરી અને તેની ચોક્કસ અસરો વચ્ચેનો સીધો સંબંધ સ્પષ્ટ રીતે સાબિત કરી શકતા નહોતા. હવે ચોક્કસ ન્યુરલ સર્કિટ પર પ્રકાશ ફેંકીને યાદશક્તિ કે લાગણીઓ પર થતી અસરનો સચોટ અભ્યાસ શક્ય બન્યો છે.
આ શોધની શરૂઆત એકકોષીય શેવાળના અભ્યાસથી થઈ હતી. પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલે 2000ના દાયકાની શરૂઆતમાં ‘ચેનલરોડોપ્સિન’ નામનું પ્રોટીન શોધ્યું, જે વાદળી પ્રકાશ પડતાં જ સક્રિય થઈ વિદ્યુત સંકેત પેદા કરે છે. ત્યારબાદ કાર્લ ડિસેરોથે આ પ્રોટીનનો ઉપયોગ જીવંત ઉંદરના મગજના કોષોમાં કરીને પ્રકાશ વડે ચેતાતંત્રના સંકેતોને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી.
આ પદ્ધતિથી વિજ્ઞાનીઓ ડર, ખુશી કે વર્તન સાથે જોડાયેલી મગજની સર્કિટને સીધી જ ચાલુ કે બંધ કરી શકે છે. લેબોરેટરી ઉપરાંત આ શોધ પાર્કિન્સન્સ, વાઈ (ખેંચ) અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક બીમારીઓના ઈલાજમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથોસાથ દૃષ્ટિહીન લોકોની આંખોની રોશની પાછી લાવવા માટેના તબીબી પ્રયોગોમાં પણ તેનો ઉપયોગ શરૂ થયો છે.