સત્ય. સાહસ. સંકલ્પ.

અર્થશાસ્ત્રનો નોબેલ 2026: રોબર્ટ હૉલ અને માઈકલ વુડફોર્ડને સંયુક્ત પુરસ્કાર

અર્થશાસ્ત્રનો નોબેલ 2026: રોબર્ટ હૉલ અને માઈકલ વુડફોર્ડને સંયુક્ત પુરસ્કાર

સ્ટોકહોમ સ્થિત રોયલ સ્વીડિશ અકાદમી ઓફ સાયન્સિસે સોમવારે વર્ષ 2026નો અર્થશાસ્ત્રનો નોબેલ મેમોરિયલ પુરસ્કાર જાહેર કર્યો છે. આ વર્ષનું સન્માન અમેરિકી અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઈ. હૉલ અને માઈકલ વુડફોર્ડને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. તેમને આ પુરસ્કાર 'મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલાઇઝેશન' એટલે કે સમગ્ર અર્થતંત્રને સ્થિર રાખવાના સિદ્ધાંત પર કરેલા કામ માટે આપવામાં આવ્યો છે.

રોબર્ટ ઈ. હૉલ હાલ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, જ્યારે માઈકલ વુડફોર્ડ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્યરત છે. તેમના સંશોધનોને કારણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો અને સરકારો પોતાના આર્થિક નીતિ નિર્ણયો માટે વધુ મજબૂત સૈદ્ધાંતિક આધાર મેળવી શકી છે.

ઇકોનોમિક સાયન્સિસ માટેની પ્રાઇઝ કમિટીના ચેરમેન જ્હોન હેસલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'આ બંને અર્થશાસ્ત્રીઓના સંશોધને સેન્ટ્રલ બેંકો અને સરકારો વાપરતા આર્થિક મોડેલોને મજબૂત અને સ્થિર પાયો આપ્યો છે. તેમના સિદ્ધાંતોને લીધે આજે આપણે ઊર્જા સંકટ કે ઘરોના વપરાશમાં અચાનક થતા ફેરફારો જેવા આંચકા સામે લડવા માટે વધુ તૈયાર છીએ.'

અર્થશાસ્ત્રના નોબેલને અધિકૃત રીતે 'બેંક ઓફ સ્વીડન પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સિસ ઇન મેમોરી ઓફ અલ્ફ્રેડ નોબેલ' તરીકે ઓળખવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત 1968માં સ્વીડનની સેન્ટ્રલ બેંકે અલ્ફ્રેડ નોબેલની યાદમાં કરી હતી. ટેકનિકલ રીતે તે મૂળ નોબેલ પુરસ્કાર નથી, પણ અલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ 10 ડિસેમ્બરના રોજ બીજા નોબેલ પુરસ્કારો સાથે જ આ સન્માન પણ અપાય છે.

આ વર્ષે વિજેતાઓને 1.2 કરોડ સ્વીડિશ ક્રોનોર (આશરે 12 લાખ યુએસ ડોલર)ની ઇનામી રકમ મળશે, જે વ્યક્તિગત કે સંયુક્ત રીતે વિજેતાઓમાં વહેંચાશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 2025માં વ્યાપારિક નવીનતા અને નવા ઉત્પાદનો કેવી રીતે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે તે વિષય પર સંશોધન કરનાર ત્રણ સંશોધકોને આ પુરસ્કાર મળ્યો હતો. આ વર્ષે મેડિસિન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે.