યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જ સામે દેશભરના વેપારીઓએ વિરોધ શરૂ કર્યો છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ (FAIVM) અને કોનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) જેવા મુખ્ય વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે 'નો UPI ડે' ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસે વેપારીઓ UPI થી પેમેન્ટ લેશે નહીં, જેથી ગ્રાહકોએ કેશ કે કાર્ડથી જ ખરીદી કરવી પડશે.
વેપારીઓ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શુલ્કનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ, કરિયાણું, ઈલેક્ટ્રોનિક્સ અને અનાજ પર માર્જિન પહેલાથી જ ઓછું છે. આ નવો ટેક્સ તેમના પર વધારાનો બોજો વધારશે. ઈન્દોર રિટેલ ગારમેન્ટ્સ એસોસિએશને ચેતવણી આપી છે કે જો 15 ઓક્ટોબર પહેલા આ નિર્ણય પાછો નહીં લેવાય, તો તેઓ UPI QR કોડ મશીનો પાણીમાં વહાવી દેશે.
23 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયર જેવા શહેરોના લગભગ 125 વ્યાપારી સંગઠનોએ 'નો UPI ડે' ઉજવ્યો હતો. તેનાથી રાજ્યભરમાં લગભગ 25% કારોબાર પ્રભાવિત થયો હતો. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ (MACCIA) અને પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશન પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે.
બિઝનેસ સ્ટેન્ડર્ડના રિપોર્ટ મુજબ, MACCIAના પ્રેસિડેન્ટ રવીન્દ્ર મંગવેએ કહ્યું છે કે 2 ઓક્ટોબરને 'નો UPI ડે' તરીકે ઉજવવામાં આવશે. તેમણે જણાવ્યું, "અમે દેશભરમાં તમામ વેપારી સંગઠનો સાથે વાત કરી છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, બીજા રાજ્યોએ પણ 'નો UPI ડે' ઉજવવાનો નિર્ણય કર્યો છે." તેમણે કહ્યું કે MACCIA અને તેનાથી જોડાયેલા 500 સંગઠનો મુખ્યમંત્રીને મળીને પોતાની માંગણીઓ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
મંગવેએ વધુમાં જણાવ્યું, "ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશન (FRTWA), ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF), ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિયેશન (AIMRA), ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF) અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ (AIEOTF) સહિતના મહત્વના સંગઠનો 2 ઓક્ટોબરે 'નો UPI ડે'ને ટેકો આપશે."
MDR એ ડિજિટલ પેમેન્ટ લેવા બદલ વેપારી પાસેથી વસૂલવામાં આવતી પ્રોસેસિંગ ફી છે. જ્યારે ગ્રાહક QR કોડ સ્કેન કરીને કે કાર્ડ સ્વાઈપ કરીને પેમેન્ટ કરે છે, ત્યારે બેંક, પેમેન્ટ ગેટવે અને વિઝા/માસ્ટરકાર્ડ/NPCI જેવા ડિજિટલ નેટવર્કને ચલાવવા અને તેની સુરક્ષા જાળવવા પાછળનો ખર્ચ MDR દ્વારા આવરી લેવાય છે.
સરકારના નવા નિર્ણય હેઠળ, 15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુના પિયર-ટૂ-મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર 0.40% ફી લાગશે, જેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા છે. એટલે કે ટ્રાન્ઝેક્શન 1 લાખનું હોય કે 10 લાખનું, વેપારી પાસેથી 300 રૂપિયાથી વધુ ફી વસૂલવામાં નહીં આવે.