જો તમે રોજિંદા ખરીદી માટે UPIથી ચુકવણી કરતા હોવ, તો 2 ઓક્ટોબરે તમારે રોકડ રાખવી પડી શકે છે. દેશભરના 500થી વધુ વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે 'નો UPI ડે' જાહેર કર્યો છે. આ દિવસે વેપારીઓ અને દુકાનદારો UPIથી ચુકવણી સ્વીકારશે નહીં.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવીન્દ્ર મંગવેએ જણાવ્યું કે આ આંદોલન ફક્ત મહારાષ્ટ્ર પૂરતું સીમિત નહીં રહે. દેશભરની અગ્રણી વેપારી સંસ્થાઓ આ વિરોધમાં જોડાશે.
વેપારીઓ 15 ઓક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગતા 0.4% ચાર્જ સામે વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે આ ચાર્જ તાત્કાલિક હટાવવામાં આવે.
વિરોધના ભાગરૂપે વેપારીઓ QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકશે. તેમનું કહેવું છે કે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે તેમને સજા મળી રહી છે.
AICPDFના રાષ્ટ્રીય અધ્યક્ષ ધૈર્યશીલ પાટિલે જણાવ્યું કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ખૂબ ઓછા માર્જિન પર કામ કરે છે. ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાદવાથી તેમનો ખર્ચ વધશે. તેમણે કહ્યું કે ડિજિટલ પેમેન્ટનો હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર આર્થિક બોજ નાખવાનો નહીં.
AIAOTFના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે UPIના ઉપયોગથી ચુકવણી વ્યવસ્થા પારદર્શક બની છે અને રોકડનો ઉપયોગ ઘટ્યો છે. જો વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા હોય, તો તેમના પર ટેક્સ લાદવો એ ઈમાનદાર વેપારને આર્થિક દંડ આપવા સમાન છે. તેમણે ચેતવણી આપી કે જો સરકાર પોતાનો નિર્ણય બદલશે નહીં, તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ફી છે, જે વેપારી ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે UPI જેવી ડિજિટલ ચુકવણી સેવા માટે બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્ક ચલાવવાના ખર્ચ સામે લેવામાં આવે છે. આ ચાર્જ ગ્રાહકને નહીં, વેપારીને ચૂકવવો પડે છે.
ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબર 2026થી હાઈ-વેલ્યુ UPI ટ્રાન્ઝેક્શન પર નવો MDR લાગુ થવા જઈ રહ્યો છે. સરકારના આ પગલા બાદ દુકાનદારો અને વેપારીઓમાં ફી અને તેના પર લાગતા GST અંગે ઘણા સવાલો ઊભા થયા છે.