જો તમે રોકડ રાખવાને બદલે ફક્ત UPIથી ચુકવણી કરતા હોવ, તો આજે 2 ઓક્ટોબરે તમારે મુશ્કેલી પડી શકે છે. દેશભરના વેપારીઓએ આજે 'નો UPI ડે' જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના વેપારીઓ પણ જોડાયા છે. આજે અનેક દુકાનદારો UPIથી ચુકવણી સ્વીકારશે નહીં.
રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ તેમના QR કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું છે. દુકાનો પર 'Sorry, today no UPI'ના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. આજે માત્ર રોકડથી વ્યાપાર થશે.
આ વિરોધનું કારણ UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના નિયમોમાં થયેલો ફેરફાર છે. 15 ઓક્ટોબર, 2026થી નવા નિયમો લાગુ થશે. તેના અનુસાર, પર્સન-ટુ-પર્સન અને 2,000 રૂપિયા સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકા MDR નક્કી કરાયો છે.
વેપારી સંગઠનો આ ચાર્જ સામે વિરોધ કરી રહ્યા છે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનોએ વિરોધમાં ભાગ લીધો છે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ અને જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્ઝેક્શન સ્વીકારશે નહીં. ઓટો મોબાઈલ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને જ્વેલરી માર્કેટના વેપારીઓએ ગાંધી જયંતીના દિવસે QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંક્યું છે.
અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર આજે સીધી અસર પડવાની સંભાવના છે. વેપારીઓ MDR ચાર્જમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે.
MDR એટલે શું?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ફી છે, જે વેપારી ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા, પોઈન્ટ ઑફ સેલ મશીન કે પેમેન્ટ ગેટવેના ઉપયોગ બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કના ખર્ચ માટે લેવાય છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવો પડે છે, ગ્રાહકે નહીં.