સત્ય. સાહસ. સંકલ્પ.

નો કોસ્ટ EMI સાચે જ મફત નથી: તહેવારોની સિઝનમાં ખરીદી પહેલાં સમજો છુપી ફી

નો કોસ્ટ EMI સાચે જ મફત નથી: તહેવારોની સિઝનમાં ખરીદી પહેલાં સમજો છુપી ફી

તહેવારોની સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ 'નો કોસ્ટ EMI' ની જાહેરાતોનો ધોધ વહે છે. મોંઘા ફોન, લેપટોપ કે હોમ એપ્લાયન્સ હપ્તામાં ખરીદવાની લાલચ આપતી આ ઓફર ગ્રાહકોને ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ શું આ EMI ખરેખર મફત છે? નાણાકીય નિષ્ણાતો અને RBIના નિયમો પર નજર કરીએ તો આ સંપૂર્ણપણે મફત નથી.

ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, કોઈ પણ બેંક કે નાણાકીય સંસ્થા શૂન્ય ટકા વ્યાજ દરે લોન આપી શકતી નથી. તેથી, કંપનીઓ અને બેંકો મળીને આવી રીતે ઓફર ડિઝાઇન કરે છે કે વ્યાજનો બોજો કોઈ ને કોઈ સ્વરૂપે ગ્રાહકને જ ઉઠાવવો પડે.

નો કોસ્ટ EMIની આ યુક્તિમાં ચાર મુખ્ય રીતે વધારાના પૈસા વસૂલાય છે:

  • ડિસ્કાઉન્ટનો ખેલ: EMIમાં ખરીદી કરતી વખતે બેંક વ્યાજ વસૂલે છે, પરંતુ વેપારી ઉત્પાદન પર એટલું જ ડિસ્કાઉન્ટ આપે છે જેટલું વ્યાજ બને છે. એટલે કે, રોકડ ચુકવણી પર મળતું ડિસ્કાઉન્ટ EMIના કારણે ગુમાવી દો છો.
  • પ્રોસેસિંગ ફી: મોટાભાગની બેંકો અથવા NBFCs નો કોસ્ટ EMIની સુવિધા આપવા બદલ 99 રૂપિયાથી લઈને 299 રૂપિયા સુધીની પ્રોસેસિંગ ફી વસૂલે છે, જે પહેલા હપ્તા સાથે જોડાઈને આવે છે.
  • 18% GST: RBIના નિયમો અનુસાર, લોનના વ્યાજ અને પ્રોસેસિંગ ફી પર 18% GST લાગે છે. ભલે કંપની વ્યાજ પર ડિસ્કાઉન્ટ આપે, પણ આ GST ગ્રાહકને અલગથી ચૂકવવો પડે છે.
  • કેશ ડિસ્કાઉન્ટ ગુમાવો: જો તમે એકસાથે ચુકવણી કરો છો, તો ઘણીવાર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળે છે. નો કોસ્ટ EMI પસંદ કરવાથી તમે આ સીધો લાભ ગુમાવો છો.

આ ટ્રેપમાં ન ફસાવા માટે નિષ્ણાતો ચાર સૂચનો આપે છે:

  1. EMI વગર સીધા ખરીદી પર મળતી છૂટ ચકાસો. જો નોંધપાત્ર છૂટ હોય, તો EMI ન કરો.
  2. લોન એગ્રીમેન્ટ કે પેમેન્ટ પેજ પર પ્રોસેસિંગ ફી અને GSTની વિગત ધ્યાનથી વાંચો.
  3. માસિક આવક અને EMI અથવા અન્ય જવાબદારીઓનું સંતુલન જાળવીને જ ખરીદી કરો, બિનજરૂરી વસ્તુઓ ટાળો.
  4. કુલ ચુકવણી (EMI + ફી + GST) મૂળ કિંમત સાથે સરખાવીને જ નિર્ણય લો.