સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ મેડિકલ કમિશન (NMC)એ દેશભરના ડૉક્ટરો અને હોસ્પિટલો માટે જાહેરાતો અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનનો હેતુ મેડિકલ પ્રોફેશનની ગરિમા જાળવવો, હેલ્થકેર ક્ષેત્રે વધતું કોમર્શિયલાઈઝેશન રોકવું અને દર્દીઓના હિતનું રક્ષણ કરવાનો છે.
નવા નિયમો મુજબ, હવે કોઈ પણ ડૉક્ટર કે હોસ્પિટલ સારવાર અંગે ખોટા દાવા કે દર્દીઓને ગેરમાર્ગે દોરે તેવી ભ્રામક જાહેરાતો કરી શકશે નહીં. જાહેરાતોમાં 'નંબર વન ડૉક્ટર', 'બેસ્ટ ડૉક્ટર', '100% સફળતા', 'સારું થઈ જવાની ગેરંટી', 'મિરેકલ ટ્રીટમેન્ટ' કે 'પેઈનલેસ ટ્રીટમેન્ટ' જેવા શબ્દોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્દીઓને લલચાવવા માટે ડિસ્કાઉન્ટ, ઓફર, ગિફ્ટ કે કૂપન આપવા જેવી પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવવામાં આવી છે.
એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ઉપયોગ અંગે પણ કડક નિયંત્રણો મૂકાયા છે. ડૉક્ટરો કે હોસ્પિટલો કોમર્શિયલ હેતુ માટે એઆઈ જનરેટેડ કેમ્પેઈન ચલાવી શકશે નહીં. એઆઈનો ઉપયોગ દર્દીઓને ગેરમાર્ગે દોરવા કે છેતરવા માટે ન થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ માત્ર દર્દીઓની સમજણ વધારવા પૂરતો જ કરવાનો રહેશે. વધુમાં, પ્રમોશનલ હેતુ માટે દર્દીના નામ, ફોટોગ્રાફ કે અન્ય કોઈ પણ રેકોર્ડનો ઉપયોગ કરવા પર અથવા તેને અન્ય સાથે વહેંચવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાઈડલાઈન મુજબ, પ્રથમ વખત નિયમ ભંગ થવા પર ચેતવણી આપવામાં આવશે. બીજી વાર ભંગ કરવા પર પેનલ્ટી ફટકારવામાં આવશે. જો ત્રીજી વાર નિયમ ભંગ થશે તો 3થી 6 મહિના માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે. કેસની ગંભીરતા કે સીરિયસ વાયોલેશન ધ્યાને આવશે તો 6થી 12 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત, વારંવારની બેદરકારી બદલ મેડિકલ રજિસ્ટરમાંથી 1થી 3 વર્ષ માટે નામ પણ દૂર કરવામાં આવશે.