કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે (5 નવેમ્બર) સુરતમાં પત્રકાર પરિષદ યોજીને મતદાર યાદીમાં થઈ રહેલા ખાસ સઘન પુનરાવલોકન (SIR) મુદ્દે સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કર્યા હતા.
નિત્યાનંદ રાયે જણાવ્યું કે, 2014 પછી કોંગ્રેસને સતત પરાજય મળી રહ્યો છે, તેમ છતાં તે પોતાની રીત બદલતી નથી. તેમણે ભાર મૂકીને કહ્યું કે ભારતના યુવાનોના રોજગાર અને દેશના કુદરતી સંસાધનો પર માત્ર દેશના નાગરિકોનો જ હક છે. કોઈ વિદેશી ઘૂસણખોર ગેરકાયદે રીતે દેશમાં રહીને સંસાધનો પર દાવો કરે, તે ભાજપ કે દેશ ક્યારેય સ્વીકારશે નહીં.
SIR પ્રક્રિયા અંગે સ્પષ્ટતા
મંત્રીએ જણાવ્યું કે કાયદેસર પ્રક્રિયા બાદ મતદાર યાદીમાંથી 13 કરોડ બોગસ નામો દૂર કરવામાં આવ્યા છે. તેમાં 6.3 કરોડ સ્થળાંતરિત, 3 કરોડ ગેરહાજર, 2.8 કરોડ મૃત અને 1 કરોડ ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે તેમાં મોટી સંખ્યામાં ગેરકાયદે વિદેશી ઘૂસણખોરો પણ સામેલ હતા. તેમણે સવાલ કર્યો કે, શું કોંગ્રેસ આ 13 કરોડ નકલી મતદારોના આધારે ચૂંટણી જીતવા માગે છે?
ચૂંટણી પંચની પ્રક્રિયા પર વિરોધ કેમ?
નિત્યાનંદ રાયે દાવો કર્યો કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી થયેલા 12 SIRમાંથી 10 કોંગ્રેસના શાસનકાળમાં થયા હતા. તો પછી આજે આ પ્રક્રિયા સામે વિરોધ કેમ થઈ રહ્યો છે? તેમણે કહ્યું કે ચૂંટણી પંચ નોટિસ આપે, તપાસ કરે અને પક્ષ રજૂ કરવાની પૂરી તક આપે છે, ત્યાર બાદ જ નિયમ મુજબ નામો દૂર કરે છે. તેમણે ઉમેર્યું કે કપિલ સિબ્બલે પણ સ્વીકાર્યું છે કે આ નિયમિત પ્રક્રિયા છે. તેમ છતાં કોંગ્રેસ સંસદમાં દેશહિત અને ગરીબ કલ્યાણની ચર્ચા છોડીને ભાગી રહી છે અને 'મોક પાર્લામેન્ટ' ચલાવીને લોકશાહીનું અપમાન કરી રહી છે.
'બાંગ્લાદેશ જેવી કઠપૂતળી સરકારનું ષડયંત્ર'
કેન્દ્રીય મંત્રીએ ગંભીર આરોપ મૂકતા કહ્યું કે કોંગ્રેસ વિદેશી શક્તિઓના ઈશારે ભારતમાં અસ્થિરતા પેદા કરીને બાંગ્લાદેશ જેવી કઠપૂતળી સરકાર સ્થાપવા માગે છે, જેથી ભારત બીજાના હાથનું રમકડું બની જાય. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ હવે 1947ના વિભાજન જેવી ભૂલો ફરી ક્યારેય નહીં દોહરાવે.
વિકાસનો દાવો અને વિવેકાનંદનો સંદર્ભ
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ડીબીટી (DBT) દ્વારા વચેટિયાઓ દૂર થયા છે અને વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. પરિવારવાદ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ આ પ્રગતિ સહન કરી શકતી નથી.
સ્વામી વિવેકાનંદને યાદ કરતા નિત્યાનંદ રાયે કહ્યું કે વિવેકાનંદજીનું બાળપણનું નામ નરેન્દ્ર હતું અને તેમણે ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદી ભારતની હશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સંકલ્પને સાકાર કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે અને દેશને નબળો કરવાની કોઈ ચાલ સફળ નહીં થાય.