ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી જાણીતી એક્ટ્રેસ નીતિ ટેલરે પોતાની કારકિર્દીનો એક કડવો અનુભવ જાહેર કર્યો છે. તેણે જણાવ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆતમાં એક ડિરેક્ટરે તેને લીડ રોલ આપવાના બદલામાં તેની સાથે સૂવાની માંગ કરી હતી.
નીતિ ટેલરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "શરૂઆતના દિવસોમાં હું સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી. મારી પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી એ જ ફિલ્મના ડિરેક્ટરે મને ફોન કર્યો. તેણે મને તેની આગામી ફિલ્મમાં લીડ રોલની ઓફર આપી. પરંતુ પછી તેણે કહ્યું કે, બીજી ફિલ્મ મેળવવા માટે મારે તેની સાથે સૂવું પડશે."
આ ઘટનાને યાદ કરતાં નીતિએ કહ્યું, "તેની એ વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું. તેથી મેં તરત જ ફોન કાપી નાખ્યો અને તે ડિરેક્ટરનો નંબર કાયમ માટે બ્લોક કરી દીધો. હું અંદરથી ખૂબ ગભરાઈ ગઈ હતી અને મેં સૌથી પહેલા મારી મમ્મીને ફોન કરીને આખી હકીકત જણાવી."
તેણે વધુમાં કહ્યું કે, તે ડિરેક્ટર ખૂબ મોટી ઉંમરનો હતો અને તેને ખબર હતી કે તેણે પહેલાં પણ બીજી છોકરીઓ સાથે આવી હરકતો કરી હતી. આ ઘટનાએ તેને એટલી ડરાવી દીધી કે તેણે તે ફિલ્મનો પ્રોજેક્ટ છોડી દીધો.
નીતિ ટેલરે 'કૈસી યે યારિયાં', 'ગુલામ' અને 'ઇશ્કબાઝ' જેવા ટીવી શોઝમાં કામ કર્યું છે. તાજેતરમાં તે 'અલાયન્સ'માં પણ જોવા મળી હતી. આ ઇન્ટરવ્યુમાં તેણે પોતાના ટોક્સિક રિલેશનશિપ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે તેના એક્સ-બોયફ્રેન્ડના બર્થડે પર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે તેને લાફો મારી દીધો હતો, જે પછી તેણે તે સંબંધ પૂરો કરવાનો નિર્ણય લીધો.