નોઈડાના ચર્ચાસ્પદ નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે આશરે 11:30 વાગ્યે હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં તેની ચાની દુકાનમાં દોરડું બાંધીને તેને લટકતો જોવા મળ્યો હતો.
એસએચઓ કુંદન સિંહ રાણાએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલા ઓળખપત્ર પરથી મૃતકની ઓળખ નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલી તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ઓક્ટોબર 2023માં સુરેન્દ્ર કોલી અને મોનિન્દર સિંહ પંઢેરને 12 કેસોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. એક કેસમાં હાઈકોર્ટે સુરેન્દ્રની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી. ત્યારબાદ 11 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે પણ નબળા સાક્ષીઓ અને પુરાવાના અભાવે તેને છેલ્લા કેસમાંથી દોષમુક્ત કરી દીધો હતો. પંઢેર પણ નિર્દોષ છૂટ્યા બાદ જુલાઈ 2025માં જેલમાંથી બહાર આવી ચૂક્યો હતો.
આ કેસમાં પોલીસ અને સીબીઆઈ અદાલતમાં મજબૂત ફોરેન્સિક કે વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરી શક્યા ન હતા. તપાસમાં થયેલી ઢિલાઈ અને પુરાવામાં રહેલા વિરોધાભાસનો સીધો ફાયદો આરોપીઓને મળ્યો હતો. જેમ આરુષી હત્યાકાંડમાં થયું, તેમ નિઠારી કેસમાં પણ 19 નિર્દોષ બાળકોના અસલી ગુનેગાર કોણ હતું તે પ્રશ્ન હંમેશ માટે અનુત્તરિત રહી ગયો છે, અને પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી.
નિઠારી કાંડ શું હતો? વર્ષ 2005-06 દરમિયાન નોઈડાના નિઠારી વિસ્તારમાંથી બાળકો અને મહિલાઓ અચાનક ગુમ થવા લાગ્યા હતા. તપાસ દરમિયાન 29 ડિસેમ્બર 2006ના રોજ પોલીસ સેક્ટર-31 સ્થિત ડી-5 કોઠી પર પહોંચી હતી. આ બંગલાના પાછળના નાળામાંથી માનવ હાડપિંજર, ખોપડીઓ અને કપડાં મળી આવ્યા હતા. જાન્યુઆરી 2007માં આ કેસ સીબીઆઈને સોંપાયો, જેમાં અપહરણ, દુષ્કર્મ, પુરાવા નાશ અને હત્યાની 16 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 30 વર્ષની વયે પકડાયેલા નોકરને અગાઉ ઘણી વખત નીચલી અદાલતોએ ફાંસીની સજા સંભળાવી હતી, જે અંતે પુરાવાના અભાવે રદ થઈ ગઈ હતી.