સત્ય. સાહસ. સંકલ્પ.

કર્જતમાં 100 એકરની ટાઉનશિપ: અનાથ બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોને આજીવન આશ્રય આપશે 'અનંત આશ્રય'

કર્જતમાં 100 એકરની ટાઉનશિપ: અનાથ બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોને આજીવન આશ્રય આપશે 'અનંત આશ્રય'

રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈ નજીક કર્જત ખાતે 100 એકરમાં ફેલાયેલી આધુનિક ટાઉનશિપ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનું નામ 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય' છે.

આ બિન-નફાકારક પહેલ હેઠળ અનાથ બાળકો, નિરાધાર વરિષ્ઠ નાગરિકો અને વિકાસલક્ષી દિવ્યાંગતા ધરાવતા 5,000થી વધુ લોકોને આજીવન રહેઠાણ અને વિશેષ સંભાળ મળશે. રવિવારે ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો.

નીતા અંબાણીએ કહ્યું, "આ પ્રોજેક્ટ મારા અને મારા પરિવાર માટે હૃદયની ખૂબ નજીક છે. જે લોકોને લાંબા ગાળાના આશ્રયની જરૂર છે, તેમના માટે આ સુરક્ષિત અને પ્રેમાળ ઘર બનાવવાનું પગલું છે. અમે એવા સમુદાયની કલ્પના કરીએ છીએ જ્યાં કરુણાપૂર્ણ સંભાળ અને તબીબી સહાય કૌટુંબિક જીવનની હૂંફ સાથે મળે. અહીં લોકો પ્રકૃતિ વચ્ચે રહીને શીખવા, કામ કરવા અને તહેવારો ઉજવવાનો આનંદ માણી શકશે."

તેમણે ભાવુક થઈને ઉમેર્યું, "એક માતા તરીકે મારી ઊંડી ઈચ્છા છે કે જે માતાપિતા હંમેશા ચિંતામાં રહે છે કે તેમના પછી તેમના વિશેષ બાળકોની સંભાળ કોણ રાખશે, તેમને અહીં શાંતિ મળશે. આ પ્રોજેક્ટ દરેક વ્યક્તિને ગૌરવભેર જીવવાની અને આશા સાથે નવા દિવસની રાહ જોવાની તક આપશે."

સરકારની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રોજેક્ટ તબક્કાવાર વિકસાવવામાં આવશે. આ ટાઉનશિપમાં રહેવાસીઓ, સંભાળ રાખનારાઓ, ડોક્ટરો અને સહાયક સ્ટાફ સહિત લગભગ 15,000 લોકોનો સમુદાય વસવાટ કરશે.

ટાઉનશિપમાં ભારતની પવિત્ર નદીઓના નામ પરથી 8 રહેણાંક ગામડાઓ બનાવવામાં આવશે. દરેક ગામને અલગ રંગો, પ્રતીકો અને સંવેદનાત્મક બગીચાઓથી સજાવવામાં આવશે, જેથી રહેવાસીઓને પોતાનો વિસ્તાર ઓળખવામાં સરળતા રહે. અહીં કૌટુંબિક શૈલીના ઘરો હશે, જેમાં સમર્પિત સંભાળ રાખનારાઓ અને 'હાઉસ પેરેન્ટ્સ' તેમની સાથે રહેશે.

દરેક રહેવાસી માટે વ્યક્તિગત સંભાળ યોજના બનાવવામાં આવશે, જેમાં તેમના આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારનો સમાવેશ થશે અને દર 6 મહિને તેની સમીક્ષા કરવામાં આવશે. કેમ્પસમાં હોસ્પિટલ, મંદિર, રમતના મેદાનો, બગીચાઓ, ખેતરો, વર્કશોપ અને કાફે પણ હશે.

અનંત આશ્રયમાં વિકાસલક્ષી દિવ્યાંગતા, ઓટીઝમ, મગજનો લકવો, વાઈ અને અન્ય જટિલ તબીબી સ્થિતિઓ ધરાવતા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. હોસ્પિટલમાં દંત ચિકિત્સા અને ઉપશામક સંભાળ ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને હાઈડ્રોથેરાપી જેવી પુનર્વસન સુવિધાઓ પણ અપાશે. અન્ય સુવિધાઓમાં રમતગમત અને મનોરંજન માટેના મેદાનો, સ્પેશિયલ એજ્યુકેશન સેવાઓ, સ્ટાફના બાળકો માટે નિયમિત શાળા અને વાંટારાની વિશેષતા મુજબ વિકસાવેલું 'એનિમલ કમ્પેનિયન ફાર્મ' સામેલ છે. રોજગારની તાલીમ માટે બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો પણ શરૂ કરાશે.

રિલાયન્સ ફાઉન્ડેશનનો આ પ્રોજેક્ટ માત્ર આશ્રય પૂરતો સીમિત નથી. આ ટાઉનશિપ દ્વારા પડોશી ગામડાઓ અને કર્જત વિસ્તારના આશરે 1,000 સ્થાનિક લોકોને થેરાપી, શિક્ષણ અને રોજગારની તકો મળવાની અપેક્ષા છે. આ વિસ્તારમાં મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ અને કોમ્યુનિટી હેલ્થકેર કાર્યક્રમો પણ ચલાવવામાં આવશે. સાથે જ, દિવ્યાંગોની સંભાળ લેનારા પ્રોફેશનલ્સને તૈયાર કરવા માટે 'નેશનલ ટ્રેનિંગ એકેડેમી' પણ બનાવવામાં આવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પરોપકારી શાખા એવું રિલાયન્સ ફાઉન્ડેશન અગાઉથી જ આરોગ્ય, શિક્ષણ, રમતગમત અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત છે. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, તેમના કાર્યક્રમો ભારતના 98,000થી વધુ ગામડાઓ અને શહેરોમાં 10 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યા છે. કર્જતનો આ પ્રોજેક્ટ સામાજિક કલ્યાણ ક્ષેત્રે તેમનો વધુ એક મોટો અને સંવેદનશીલ પ્રયાસ છે.