સત્ય. સાહસ. સંકલ્પ.

નિર્મલા સીતારમણ બેંગલુરુમાં એમએસ સુબ્બુલક્ષ્મીની 110મી જયંતિ પર ભાવુક થયા, ગીતો સાંભળતાં આંખો ભીની

નિર્મલા સીતારમણ બેંગલુરુમાં એમએસ સુબ્બુલક્ષ્મીની 110મી જયંતિ પર ભાવુક થયા, ગીતો સાંભળતાં આંખો ભીની

બેંગલુરુમાં મંગળવારે મહાન કર્ણાટક ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની 110મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બેંગલુરુના ચૌડૈયા મેમોરિયલ હોલમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુબ્બુલક્ષ્મીની રચનાઓ સાંભળતી વખતે સીતારમણ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

કાર્યક્રમમાં સુબ્બુલક્ષ્મીની પ્રપૌત્રીઓ એસ. ઐશ્વર્યા અને એસ. સૌંદર્યાએ પણ પ્રસ્તુતિ આપી હતી. આ બંને એમ.એસ. સુબ્બુલક્ષ્મીની દીકરી અને કર્ણાટક ગાયિકા ડો. રાધા વિશ્વનાથનની પૌત્રીઓ છે. તેમણે સુબ્બુલક્ષ્મીની કેટલીક રચનાઓ રજૂ કરી હતી અને તેમની સંગીત પરંપરાને આગળ વધારી છે. સમારોહમાં ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ સુબ્બુલક્ષ્મી અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.

એમ.એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ 16 સપ્ટેમ્બર 1916ના રોજ મદુરાઈ (તમિલનાડુ)માં થયો હતો. તેઓ ભારતના સૌથી સન્માનિત ગાયિકાઓમાંના એક હતા. 1998માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના ગાયેલા ભજન ‘વિષ્ણુ સહસ્ત્રનામમ્’ને યુટ્યુબ પર 10 કરોડથી વધુ વખત સાંભળવામાં આવ્યું છે, જ્યારે ‘ભજન ગોવિંદમ્’ને 1.7 કરોડ અને ‘શ્રી વેંકટેશ્વરા સુપ્રભાતમ્’ને 4.7 કરોડ વખત સાંભળવામાં આવ્યું છે. પદ્મશ્રીથી લઈને ભારત રત્ન સુધી, લગભગ દરેક મોટો પુરસ્કાર તેમને મળ્યો હતો. તેમના અવાજનું આકર્ષણ એવું હતું કે મહાત્મા ગાંધી અને પં. જવાહરલાલ નેહરુ પણ તેમના પ્રશંસકોમાં હતા. મહાત્મા ગાંધીએ ખાસ વિનંતી કરીને તેમની પાસેથી ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ સાંભળ્યું હતું. તેમની વાદળી સાડી એટલી શોભતી હતી કે તે રંગને ‘એમએસ બ્લુ’ તરીકે ઓળખવામાં આવે છે.

સુબ્બુલક્ષ્મીના જીવન પર ટૂંક સમયમાં એક બાયોપિક ફિલ્મ આવવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદાના તેમનું પાત્ર ભજવશે. ફિલ્મનું સત્તાવાર લોન્ચિંગ 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમની 110મી જન્મજયંતિ પર ચેન્નઈની ધ મ્યુઝિક એકેડમીમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નનુરી કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘જર્સી’ અને ‘કિંગડમ’ જેવી ફિલ્મો બનાવી છે. રશ્મિકા પહેલાં સાઈ પલ્લવીનું નામ આ બાયોપિક માટે ચર્ચામાં હતું. રશ્મિકા પહેલીવાર એવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક શખ્સિયતનું પાત્ર ભજવશે, જેમની ઓળખ મુખ્યત્વે કર્ણાટક શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી છે.

એમ.એસ. સુબ્બુલક્ષ્મી ઉર્ફે કુંજમ્માનો જન્મ 16 સપ્ટેમ્બર 1916ના રોજ મદુરાઈ (તમિલનાડુ)માં થયો હતો. તેમની માતા શાનમુકાવાદિર અમ્માલ દેવદાસી સમાજનો ભાગ હતાં અને વીણા વગાડતાં હતાં, જ્યારે પિતા સુબ્રમણ્યમ અય્યર ગાયક હતા. માતાએ તેમની સંગીતની તાલીમ પ્રખ્યાત પં. નારાયણ રાવ વ્યાસ પાસે કરાવી હતી અને માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે પહેલી રેકોર્ડિંગ કરી હતી. સુબ્બુલક્ષ્મી માતાના સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન તેમનો સાથ આપતાં ભજન ગાતા હતા. તેમનું પહેલું પર્ફોર્મન્સ 1929માં મદ્રાસ મ્યુઝિક એકેડમીના મંચ પર થયું, ત્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા.

‘ધ વાયર’ને આપેલા ઇન્ટરવ્યુમાં સુબ્બુલક્ષ્મીએ જણાવ્યું હતું કે એક દિવસ તેઓ ઘરની બહાર બેસીને માટીનું ઘર બનાવી રહ્યા હતા, ત્યારે કોઈ તેમને ઉઠાવીને સીધા માતા પાસે મંચ પર લઈ ગયું. માતા લગભગ 50-100 લોકો સામે પર્ફોર્મ કરી રહ્યા હતા અને ઇચ્છતા હતા કે સુબ્બુલક્ષ્મી પણ થોડા ગીતો સંભળાવે. તેમણે માટીથી ભરેલા હાથ લૂછ્યા અને ગાવાનું શરૂ કર્યું, ત્યારે મ્યુઝિક એકેડમી તાળીઓથી ગુંજી ઉઠી. આ પછી તેમને સતત ગાવાની તકો મળવા લાગી. તે સમયના પ્રખ્યાત પત્રકાર ટી. સદાશિવમે 1936માં થયેલી એમ.એસ. સુબ્બુલક્ષ્મીની પરફોર્મન્સ પછી તમિલ સાપ્તાહિક મેગેઝિન ‘આનંદા વિકાતમ’માં ફ્રન્ટપેજ આર્ટિકલ લખ્યો, જેના પછી તેમના કોન્સર્ટમાં ભારે ભીડ પહોંચવા લાગી. કામના સંબંધમાં થયેલી મુલાકાત પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. સદાશિવમ જાણતા હતા કે સુબ્બુલક્ષ્મીની કલા ફક્ત મંચ સુધી સીમિત રહેવા માટે નથી. ફિલ્મમેકર કે. સુબ્રમણ્યમની ભલામણથી સદાશિવમે સુબ્બુલક્ષ્મીને ફિલ્મ ‘સેવાસદન’માં લીડ રોલ અપાવ્યો. 1938ની આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી અને સુબ્બુલક્ષ્મી સાઉથનું મોટું નામ બનીને ઉભરી.