સત્ય. સાહસ. સંકલ્પ.

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો કાળા કપડાંમાં વિરોધ, શ્રમિકની હરકત સામે કાર્યવાહીની માંગ

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો કાળા કપડાંમાં વિરોધ, શ્રમિકની હરકત સામે કાર્યવાહીની માંગ

અમદાવાદની નિરમા યુનિવર્સિટી છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં છે. યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલના નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિકે બીભત્સ હરકત કરી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.

ઘટનાની વિગત મુજબ, નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે નવા બની રહેલા H-5 બ્લોકમાં કામ કરતા શ્રમિકે બીભત્સ હરકત કરી હતી. આ ઘટનાનો વીડિયો લઈને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ ગર્લ્સ હોસ્ટેલ પર લીલા રંગની નેટ લગાવવામાં આવી છે. વધુમાં, એક ગાર્ડે વિદ્યાર્થિનીઓને તેમના કપડાં અંગે ટિપ્પણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરી છે. યુનિવર્સિટીમાં ખુલીને ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓ સામે જ કડક પગલાં લેવાય તેવા ડરથી ઘણા વિદ્યાર્થીઓ સામે આવતા નથી. તેથી તેમણે ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને લોકોને જોડાવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ગુરુવારે બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ અપીલના પગલે 1 ઓક્ટોબરે હજારથી વધુ વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ લઈને કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઘટનાની નિંદા કરીને બ્લેક ડે ઉજવ્યો હતો.

આ મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી સામે આવી નથી. વિદ્યાર્થીઓની માંગ છે કે શ્રમિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગર્લ્સ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.