અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર એચ.કે. પટેલે એક વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવીને કોલર પકડીને ધમકાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
નિરમા યુનિવર્સિટીની ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન (EI) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા 'ટેક્નોફોરા' નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડી શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર વિભાગના વડા (HOD) અને પ્રોફેસર એચ.કે. પટેલ બોલી રહ્યા હતા. તે સમયે એક વિદ્યાર્થીએ 'ગોલમાલ-૩' ફિલ્મનો સંવાદ 'જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકલના હૈ' બોલ્યો હતો.
આ સંવાદ બોલાયા બાદ પ્રોફેસર એચ.કે. પટેલે ઇશારો કરીને વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો અને તેનો કોલર પકડી લીધો. પ્રોફેસરે વિદ્યાર્થીને ધમકાવતા કહ્યું, "હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. જે દિવસે તમે નિરમા યુનિવર્સિટી કેમ્પસની કોઈ પણ ફેકલ્ટીનું અપમાન કરવાની હિંમત કરશો, તો તમે કાયમ માટે બહાર થઈ જશો."
આ ઘટના અંગે NSUI નેતા વેદાંતસિંહ તોમરે જણાવ્યું હતું કે, પ્રોફેસરના વિડિયો સામે આવ્યા બાદ જ્યારે તેમણે સંપર્ક કર્યો ત્યારે પ્રોફેસરે આ ઘટનાને યોગ્ય ગણાવી હતી અને તે યુનિવર્સિટીની આંતરિક બાબત હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૨ જૂન, ૨૦૨૬ના રોજ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી પરત જમા કરાવવા બાબતે વિદ્યાર્થી અને ફેકલ્ટી સુપરવાઇઝર ડી.એસ. પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈને સુપરવાઇઝરે વિદ્યાર્થીને બે લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના પરીક્ષા કેન્દ્રમાં મુકેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.