અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં H5 બ્લોક નજીક એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતા બિભત્સ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. H4 ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ આ ઘટનાનો વીડિયો ઉતારીને યુનિવર્સિટી સત્તાવાળાઓને ઈમેલ દ્વારા જાણ કરી હતી.
વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે આ અંગે ફરિયાદ કરવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમનું કહેવું છે કે આવી જ ઘટના એક વર્ષ પહેલાં પણ બની હતી, ત્યારે પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં.
પીડિતા વિદ્યાર્થિની (નામ બદલ્યું છે)એ જણાવ્યું કે ઘટના H5 બ્લોકમાં બની હતી અને તેનું રેકોર્ડિંગ H4 ગર્લ્સ હોસ્ટેલમાંથી કરવામાં આવ્યું હતું. તેમણે ડીન અને યુનિવર્સિટી સત્તાવાળાઓને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી.
વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટી આરોપી સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થિનીઓના પહેરવેશ પર પ્રતિબંધો લાદવા પર ધ્યાન આપી રહી છે. આ મુદ્દો કેમ્પસની સુરક્ષા અને પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે.
આ ઘટના સંદર્ભે યુનિવર્સિટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી સામે આવી નથી. વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.