સત્ય. સાહસ. સંકલ્પ.

લિપસ્ટિક પછી નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના ખર્ચે ખરીદ્યા સોનું-ચાંદી અને મોંઘી બાંધણી

લિપસ્ટિક પછી નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના ખર્ચે ખરીદ્યા સોનું-ચાંદી અને મોંઘી બાંધણી

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના નવા આરોપો સામે આવ્યા છે. લિપસ્ટિક અને અંગત સામાનની ખરીદી બાદ હવે તેમણે યુનિવર્સિટીના ખર્ચે સોના-ચાંદીના દાગીના અને મોંઘી બાંધણી ખરીદ્યાનું સામે આવ્યું છે. તેમનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ પૂરો થયો હતો, પરંતુ તે પહેલાં જ તેમણે મોટી ખરીદી કરી લીધી હતી.

2 મે 2026ના રોજ નવરંગપુરાના બંધેજ સ્ટોરમાંથી રૂ. 59,350ની પાંચ જુદી જુદી બાંધણી ખરીદવામાં આવી હતી. આ રકમ નીરજા ગુપ્તાએ ચૂકવી હતી અને પછી SAP (સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ)ના ખાતામાંથી તે જ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

17 જૂન 2026ના રોજ સી.જી. રોડ પર આવેલી ચાંદીધામ નામની દુકાનમાંથી 851 ગ્રામ ચાંદીના દાગીના ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત રૂ. 2,29,175 હતી. આ બિલ IKS અને SAPના નામે બનાવવામાં આવ્યું હતું અને 22 જૂન 2026ના રોજ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું.

એપ્રિલ 2025માં નીરજા ગુપ્તા ચેન્નઈ ગયા ત્યારે Vummidi શ્રી જવેલર્સની દુકાનમાંથી રૂ. 90,422નું સોનું ખરીદ્યું હતું. આ સોનાનું બિલ પણ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામમાં મૂકવામાં આવ્યું હતું. આ તમામ બિલ સીધા યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં ન મૂકતાં SAPમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં નીરજા ગુપ્તાનો સીધો કંટ્રોલ હતો.

આ પહેલાં પણ નીરજા ગુપ્તા સામે લિપસ્ટિક, કપડાં અને બ્યુટી પ્રોડક્ટ્સ યુનિવર્સિટીના ખર્ચે ખરીદવાના આરોપો લાગ્યા હતા. તેમણે પોતાનું પુસ્તક પણ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાંથી ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો, જેના માટે રૂ. 4.14 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ વિવાદમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલની સહી પણ જોવા મળી હતી.

આ તમામ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને હવે નિવૃત્ત જજ આ મામલે તપાસ કરશે.