અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે. સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ દરમિયાન ડ્યૂટી ફ્રીમાંથી અંગત વપરાશ માટે બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદવાનો આરોપ તેમના પર લાગ્યો છે.
23 એપ્રિલ 2023ના રોજ અમેરિકા જતા પહેલા દુબઈ એરપોર્ટ પર હોલ્ટ સમયે ડ્યૂટી ફ્રીમાંથી લિપસ્ટિક, બ્યૂટી લાઈનર સહિતની વસ્તુઓ ખરીદી હોવાનો દાવો કરાયો છે. આ ખરીદીની રિસિપ્ટ પણ સામે આવી છે. 386 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 3,300 રૂપિયાની આ ખરીદી યુનિવર્સિટીના ફંડમાંથી કરાઈ હોવાનો આરોપ છે.
અગાઉ નિરજા ગુપ્તા પર યુનિવર્સિટીમાં ગેરકાયદે રીતે મળતિયાઓને મોટા પગારે નોકરી આપવાના આરોપ લાગ્યા હતા. આ મામલે એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ' કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા અને શિક્ષણશાસ્ત્રી ઈંદ્રવિજયસિંહ ગોહિલે પણ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ગોહિલે દાવો કર્યો છે કે નિરજા ગુપ્તાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે કહ્યું કે તેમની પાસે પીએમજેવીકે (PMJVK) પ્રોજેક્ટ સહિત તમામ ભ્રષ્ટાચારના નક્કર પુરાવા છે, જે તેઓ આગામી સમયમાં રજૂ કરશે.
ગોહિલે આરોપ લગાવ્યો કે નિરજા ગુપ્તાએ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને યુનિવર્સિટીના ખર્ચે ઈકોનોમિક ક્લાસને બદલે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત એરપોર્ટ પરથી લિપસ્ટિક, કપડાં અને બેગ જેવી અંગત વસ્તુઓ વિદ્યાર્થીઓના રૂપિયે ખરીદી હતી તથા વિદેશમાં રહેતા પોતાના દીકરાના ખાતામાં પણ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે નિરજા ગુપ્તાએ યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને મોટા પગારે નોકરી પર રાખીને ભ્રષ્ટાચાર આચર્યો છે.
ઈંદ્રવિજયસિંહ ગોહિલે નિરજા ગુપ્તાને 'ચાચી 420' ગણાવતા કહ્યું કે તેઓ માત્ર વીડિયો સંદેશ આપીને વાર્તાઓ બનાવી રહ્યા છે. જો તેઓ સાચા હોય તો તેમને લાઈવ ચર્ચામાં આવવાનો ખુલ્લો પડકાર છે. ગોહિલે સરકાર પાસે નિરજા ગુપ્તા સામે કડક કાર્યવાહી કરીને તેમને જેલભેગા કરવાની માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નિરજા ગુપ્તાએ વીડિયો સંદેશ વાયરલ કરીને પોતે પાકસાફ હોવાનો દાવો કર્યો હતો.