સત્ય. સાહસ. સંકલ્પ.

નાઈજીરિયામાં તેલ ચોરી દરમિયાન ઝેરી ગેસ લીક, 37ના મોત

નાઈજીરિયામાં તેલ ચોરી દરમિયાન ઝેરી ગેસ લીક, 37ના મોત

નાઈજીરિયાના રિવર્સ રાજ્યમાં ગુરુવારે ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઈલ ચોરવાના પ્રયાસ દરમિયાન ઝેરી ગેસ લીક થવાથી ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ લાપતા છે અને તેઓ નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે.

પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા યુથ્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એડવોકેસી સેન્ટરે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બની હતી. અનેક લોકો ક્રૂડ ઓઈલ ભરેલા એક જહાજમાંથી ગેરકાયદેસર પોઈન્ટ મારફતે પોતાની નાની હોડીઓમાં તેલ ભરી રહ્યા હતા ત્યારે અચાનક ખૂબ જ ઊંચા દબાણ સાથે ઝેરી ગેસ અને ધુમાડો બહાર નીકળવા લાગ્યો હતો. ક્ષણભરમાં જ ઝેરી વાયુ આસપાસ ફેલાઈ જતાં ત્યાં હાજર લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ ઘણા લોકો હજુ પણ લાપતા છે. ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી બેભાન થઈને કેટલાક લોકો પાણીમાં પડી ગયા હોવાની કે ધુમાડાના કારણે બહાર નીકળી ન શક્યા હોવાની આશંકા છે. બચાવ ટુકડીઓ શોધખોળ કરી રહી છે.

રિવર્સ રાજ્યની પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ મૃતકોનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. પોલીસ પ્રવક્તા બ્લેસિંગ અગાબેએ જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે અને ભોગ બનનારા ગેરકાયદેસર તેલ ચોરીની પ્રવૃત્તિમાં સામેલ હતા.