સત્ય. સાહસ. સંકલ્પ.

તમાકુ વગરના નિકોટિન પાઉચ પર પ્રતિબંધ, યુવાનો માટે હૃદય અને મગજને ખતરો

તમાકુ વગરના નિકોટિન પાઉચ પર પ્રતિબંધ, યુવાનો માટે હૃદય અને મગજને ખતરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમાકુ વગરના નિકોટિન પાઉચના વેચાણ, જાહેરાત અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉત્પાદનોના ઓનલાઈન અને ઓફલાઈન બજારો પર તાત્કાલિક દરોડા પાડીને જપ્ત કરવાની સૂચના આપી છે.

આ પગલું ઈ-સિગારેટ પ્રતિબંધ કાયદા (PECA 2019) અને ખાદ્ય સુરક્ષા ધોરણો (FSSAI) હેઠળ લેવામાં આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ આ સિન્થેટિક નિકોટિન પાઉચને યુવાનો માટે અત્યંત નશીલા અને હૃદય તથા મગજ માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે.

નિકોટિન પાઉચના નાના પેકેટ હોઠ અને પેઢા વચ્ચે રાખવામાં આવે છે. તેમાં નિકોટિન હોય છે, પરંતુ તમાકુ હોતું નથી. ભારતમાં તેને વેચવાની કોઈ સરકારી મંજૂરી નથી, તેથી તે સંપૂર્ણપણે ગેરકાયદે છે. આમ છતાં, તેમની તસ્કરી કરીને ચોરીછૂપીથી ઓનલાઈન કે સ્થાનિક દુકાનો પર વેચવામાં આવી રહ્યા છે.

સરકારી અભ્યાસ મુજબ, 18 થી 40 વર્ષના યુવાનોમાં 'ઝિન' અને 'વ્હાઈટ ફોક્સ' જેવી વિદેશી બ્રાન્ડ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. મોટી તમાકુ કંપનીઓ સિગારેટના વિકલ્પ તરીકે નિકોટિન પાઉચને પ્રોત્સાહન આપી રહી છે, જેમાંથી તેમને સારો નફો અને ઝડપી વૃદ્ધિ મળી રહી છે. જોકે, ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, નિકોટિન પેચ અને ચ્યુઈંગ ગમ જેવી વસ્તુઓને વેચવાની મંજૂરી આપી રાખવામાં આવી છે.

દેશમાં તમાકુના કારણે દર વર્ષે 13.5 લાખ લોકોના મોત થાય છે. આ પ્રતિબંધથી આ આંકડો ઘટાડવામાં મદદ મળશે તેવી આશા સરકારને છે.