સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સરને હરાવીને નિક મેડિન્સનની 10 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી

કેન્સરને હરાવીને નિક મેડિન્સનની 10 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ડાબોડી બેટ્સમેન નિક મેડિન્સનની ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ટેસ્ટિક્યુલર કેન્સરને હરાવ્યા બાદ તે લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેડિન્સન સાથે અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન સેમ હાર્પરને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે.

મેડિન્સને 2016માં ઓસ્ટ્રેલિયા માટે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર હતો. 2015માં ટેસ્ટિક્યુલર કેન્સરની સારવાર અને કીમોથેરાપી કરાવ્યા પછી તેણે એક પણ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી નથી. જોકે, તેના તાજેતરના ફોર્મ અને અનુભવે પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે.

કીમોથેરાપી પૂર્ણ કર્યા પછી મેડિન્સન બિગ બેશ લીગ (BBL)માં સિડની થંડર માટે અને 2025-26 સીઝનમાં ન્યૂ સાઉથ વેલ્સની સેકન્ડ ઇલેવન માટે રમ્યો, જોકે તે શેફિલ્ડ માટે રમી શક્યો નહીં. ગયા મહિને, તેને ન્યૂ સાઉથ વેલ્સની શેફિલ્ડ શીલ્ડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેની નવી સીઝન આવતા અઠવાડિયે શરૂ થશે. ટેસ્ટ ટીમમાં પસંદગી પામતા પહેલા, મેડિન્સને વન ડે કપમાં વિક્ટોરિયા સામે 126 રનની ધમાકેદાર સદી ફટકારીને પોતાની ફિટનેસ અને ફોર્મ દર્શાવ્યું.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમના નિયમિત વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસ પ્રથમ ટેસ્ટમાં આંગળીના ફ્રેક્ચરને કારણે બહાર થયા બાદ મેડિન્સન અને હાર્પરને ટીમમાં સ્થાન મળ્યું છે.