સત્ય. સાહસ. સંકલ્પ.

ડ્રોન યુદ્ધ તાલીમ આરોપમાં 7 વિદેશી નાગરિકોને વતન જવાની મંજૂરી, કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવ્યા

ડ્રોન યુદ્ધ તાલીમ આરોપમાં 7 વિદેશી નાગરિકોને વતન જવાની મંજૂરી, કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ગંભીર ગુનાઓ નિવારણ કાયદો (UAPA) હેઠળ તપાસ ચાલી રહી હોવા છતાં, દિલ્હીની એક અદાલતે અમેરિકી નાગરિક મેથ્યુ વૅનડાઇક અને છ યુક્રેનિયન નાગરિકોને એક મહિના માટે પોતાના દેશ જવાની મંજૂરી આપી છે. અદાલતના આદેશ મુજબ, આ તમામ વિદેશી નાગરિકોએ જરૂર પડ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા NIAની તપાસમાં હાજર રહેવું પડશે. તેમણે પોતાનું સચોટ સરનામું, ફોન નંબર અને ઈમેલ આઈડી પણ તપાસ એજન્સીને આપવાની રહેશે.

આ કાનૂની પ્રક્રિયા પૂરી થયા બાદ વૅનડાઇક શુક્રવારે સાંજે અમેરિકા જવા રવાના થયો હતો.

NIAના આરોપ મુજબ, વૅનડાઇક અને અન્ય છ યુક્રેનિયન નાગરિકોએ મ્યાનમારના સ્થાનિક સશસ્ત્ર જૂથોના સભ્યોને લગભગ ત્રણ મહિના સુધી ડ્રોન યુદ્ધ, ડ્રોન ઓપરેશન અને તેની એસેમ્બ્લીની ખાસ તાલીમ આપી હતી. આ પહેલાં ઇમિગ્રેશન કાયદા હેઠળ દરેક આરોપી પર દંડ ફટકારીને તેમને તે કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, UAPA હેઠળ મુખ્ય કેસની તપાસ હજુ ચાલુ છે. અદાલતે ઠેરવ્યું હતું કે આ તબક્કે તપાસ આગળ વધારવા માટે આરોપીઓની ભારતમાં ભૌતિક ઉપસ્થિતિ જરૂરી કે તાત્કાલિક નથી.

વિદેશી નાગરિકોને ભારત છોડવાની છૂટ મળતાં જ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વિપક્ષી કોંગ્રેસે સરકારની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આખા નિર્ણય પાછળ વિદેશી દબાણ હોવાની શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે પૂછ્યું છે કે આ લોકોને ભારતના સત્તાવાર વિઝા કેવી રીતે મળ્યા? કાયદેસર પ્રક્રિયા વગર તેઓ ભારત થઈને મ્યાનમાર કેવી રીતે પહોંચ્યા? આ સવાલો છતાં તપાસ એજન્સી કે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.