નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ વાહનોના ઇન્શ્યોરન્સને લઈને એક નવી સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ હેઠળ જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે તેના ઇન્શ્યોરન્સની ચકાસણી થશે. જો ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયું હશે અથવા વાહનનું ઇન્શ્યોરન્સ નહીં હોય, તો વાહનમાલિકને SMS દ્વારા જાણકારી આપવામાં આવશે.
હાલમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II) પર આવેલા મુંડકા ટોલ પ્લાઝા પર શરૂ કરવામાં આવ્યો છે. સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે, જેથી તેને વધુ સ્ટેબલ અને ભરોસાપાત્ર બનાવી શકાય. ટ્રાયલ સફળ થયા બાદ તેને દેશભરના અન્ય નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર લાગુ કરવાની યોજના છે.
સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આ પ્રક્રિયામાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનની માહિતી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના વાહન (Vahan) ડેટાબેઝને મોકલવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમ આપમેળે વાહનના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની માન્યતા ચકાસશે. જો ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયું હોય અથવા વાહનનું ઇન્શ્યોરન્સ ન હોય, તો વાહનમાલિકના મોબાઈલ પર તરત જ SMS મોકલવામાં આવશે. આ SMSમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ટોલ પ્લાઝા પાર કરવાનો સમય અને ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખની માહિતી હશે. સાથે જ ઇન્શ્યોરન્સ તાત્કાલિક રિન્યુ કરાવવાની સલાહ પણ આપવામાં આવશે.
દંડની જોગવાઈ શું છે?
ભારતમાં થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ કરાવવું ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ, વેલિડ ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવતા પ્રથમ વખત પકડાવા પર બેઝ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના ત્રણ ગણા અથવા ₹5,000, બંનેમાંથી જે વધુ હોય, તેટલો દંડ થઈ શકે છે. બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવા પર બેઝ પ્રીમિયમના પાંચ ગણા અથવા ₹10,000, બંનેમાંથી જે વધુ હોય, તેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.
NHAIના આ પગલાથી વાહનમાલિકોને ઇન્શ્યોરન્સની સમયમર્યાદા યાદ રાખવામાં મદદ મળશે અને વેલિડ ઇન્શ્યોરન્સ વગર રસ્તા પર દોડતા વાહનોની ઓળખ કરવી સરળ બનશે. માર્ગ અકસ્માતની સ્થિતિમાં આવા વાહનો પીડિતોને વળતર મળવામાં અડચણરૂપ બની શકે છે, તેથી આ સિસ્ટમને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.