દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ને અડીને આવેલા બાંધકામો પરની દબાણ હટાવવાની કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી યથાસ્થિતિ (Status Quo) જાળવી રાખવાનો આદેશ કોર્ટે આપ્યો છે.
હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પરના દબાણ સામે ક્લિયરન્સ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સને દબાણ ગણાવીને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. જુલાઈ મહિનામાં મોટા પાયે નોટિસો ફટકારવામાં આવી હતી અને સપ્ટેમ્બરની શરૂઆતથી તોડફોડની કામગીરી શરૂ થઈ હતી.
અસરગ્રસ્ત વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનો દાવો છે કે તેમણે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લઈને જ બાંધકામ કર્યું છે અને નિર્ધારિત રોડલાઈનથી જરૂરી અંતર જાળવ્યું છે. અરજી પર સુનાવણી ચાલુ હોવા છતાં હાઈવે ઓથોરિટી તોડફોડ કરી રહી હોવાની ફરિયાદ પણ વેપારીઓએ કરી હતી.
હાઈવે ઓથોરિટીનું કહેવું છે કે તે સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી સંબંધિત આદેશોના પગલે કાર્યવાહી કરી રહી છે. પરંતુ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી સ્થિતિ યથાવત્ રાખવાનો હુકમ કર્યો છે, જેના કારણે હાલ તોડફોડની કાર્યવાહી અટકી ગઈ છે.
હવે પ્રશ્ન એ છે કે હાઈવેની સુરક્ષા માટે દબાણ દૂર કરવાની કામગીરી અને વર્ષોથી ચાલતી કાયદેસરની મિલકતોના હક્કો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું? આગામી નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર આધારિત રહેશે.