અમદાવાદના નારોલ-નરોડા નેશનલ હાઈવે નંબર-8 પર ખારીકટ કેનાલમાંથી બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ કેનાલમાં તરતો મૃતદેહ જોઈને પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બાળકીના શરીર સાથે નાળ જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આથી એવી શક્યતા છે કે બાળકીનો જન્મ તાજેતરમાં જ થયો હોય અને જન્મ બાદ તરત જ તેને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોય. જોકે બાળકી જીવિત હતી ત્યારે કેનાલમાં ફેંકવામાં આવી હતી કે મૃત્યુ બાદ, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આશરે 24 થી 48 કલાક પહેલાં પ્રસુતિ થયાનું અનુમાન છે. કોઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા બાદ અથવા ગેરકાયદે રીતે કરાયેલી પ્રસુતિ બાદ બાળકીને કેનાલમાં ફેંકી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકી હોવાના કારણે સામાજિક દૂષણ કે દીકરી પ્રત્યેની નકારાત્મક માનસિકતાને કારણે આ કૃત્ય આચરાયું હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.