ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ફૂટબોલ ટીમને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં 0-5થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઑકલૅન્ડના ગૉ મીડિયા સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી આ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે પહેલા હાફમાં જ 3-0ની સરસાઈ મેળવી લીધી હતી અને બીજા હાફમાં વધુ બે ગોલ કરીને મેચ પોતાના નામે કરી લીધી.
મેચની શરૂઆતમાં જ પાંચમી મિનિટે ન્યૂઝીલેન્ડને સરસાઈ મળી, જ્યારે ભારતના ડિફેન્ડર બિજોય વર્ગીસ પાસેથી બોલ પોતાના જ ગોલપોસ્ટમાં જતો રહ્યો. ત્યારબાદ જેસી રેન્ડલે 34મી અને 43મી મિનિટે ગોલ કરીને ન્યૂઝીલેન્ડની સરસાઈ 3-0 કરી દીધી.
બીજા હાફમાં પણ ન્યૂઝીલેન્ડનું વર્ચસ્વ ચાલુ રહ્યું. ક્રિસ વુડે 57મી મિનિટે ગોલ કરીને સ્કોર 4-0 કરી દીધો. ત્યારબાદ 74મી મિનિટે લાચલન બેલિસે પાંચમો ગોલ કરીને ભારતના કમબેકની આશાઓ સમાપ્ત કરી દીધી.
ભારતીય ગોલકીપર વિશાલ કૈથે અનેક પ્રસંગોએ ગોલ બચાવ્યા, પરંતુ ન્યૂઝીલેન્ડના હુમલાઓને રોકી શક્યો નહીં.
ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે બીજી આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ રવિવારે ક્રાઇસ્ટચર્ચમાં રમશે. પ્રથમ મુકાબલામાં મળેલી હાર બાદ ભારતીય ટીમ બીજા મુકાબલામાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.