અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં લોઅર મેનહટનના સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર ગુરુવારે મોડી રાત્રે એક દુખદ અકસ્માત થયો. ભારતીય મૂળની 24 વર્ષીય યુવતી મલાઈકા ચિત્રે અને તેના નેપાળી-અમેરિકન મિત્ર નવમ કૌલ (24) રેલવે ટ્રેક પર બેઠા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેને બંનેને કચડી નાખ્યા, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું.
ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) અનુસાર, આ ઘટના રાત્રે લગભગ 3:15 વાગ્યે બની. મલાઈકા ન્યૂજર્સીના ડેટન શહેરની રહેવાસી હતી, જ્યારે નવમ સેરેવિલમાં રહેતો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને ટ્રેન આવવાના થોડા સેકન્ડ પહેલા ટ્રેક પર શાંતિથી બેઠેલા દેખાય છે. આ વીડિયો એક રાહદારીએ બનાવ્યો હતો.
ટ્રેન ઓપરેટરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેણે મહિલાને હસતી જોઈ હતી અને તે તેના મિત્રને પોતાની તરફ ખેંચી રહી હતી. ઓપરેટરે કહ્યું કે તેણે ઇમરજન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેનને સમયસર રોકી શકાઈ નહીં.
અકસ્માત બાદ ટ્રેનમાં હાજર લગભગ 100 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એમ ન્યૂયોર્ક ડેઇલી ન્યૂઝે જણાવ્યું છે.
હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મલાઈકા અને નવમ અડધી રાત્રે રેલવે ટ્રેક પર શા માટે બેઠા હતા. NYPD આ મામલે તપાસ કરી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તપાસકર્તાઓ એ પણ શોધી રહ્યા છે કે બંનેએ દારૂ કે અન્ય કોઈ નશીલી વસ્તુનું સેવન કર્યું હતું કે નહીં, જેના કારણે તેમને સમયસર ખતરાનો અંદાજ ન આવ્યો હોય. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જોકે તપાસકર્તાઓએ આત્મહત્યાની શક્યતાને સંપૂર્ણપણે નકારી નથી.
નવમ કૌલના મિત્રો અને પરિચિતોએ તેને મિલનસાર અને ખુશમિજાજી વ્યક્તિ ગણાવ્યો હતો. તે પોતાના સમુદાયમાં ખૂબ લોકપ્રિય હતો. નવમના એક મિત્રની માતાએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે બંને એક જ વાતાવરણમાં મોટા થયા હતા અને એક જ મિત્રોના જૂથ અને સાઉથ એશિયન કોમ્યુનિટીનો ભાગ હતા. તેમના મતે, નવમના જીવનમાં એવું કંઈ નહોતું જેનાથી લાગે કે તે કોઈ ખોટું કે મૂર્ખામીભર્યું પગલું ભરી શકે. નવમ નેપાળી મૂળનો હતો અને તેના માતા-પિતા લગભગ 30 વર્ષ પહેલા નેપાળથી અમેરિકા આવીને વસ્યા હતા.
મલાઈકાના પાડોશીએ જણાવ્યું કે તે ખૂબ જ હોશિયાર અને સમજદાર વિદ્યાર્થિની હતી. તેમણે કહ્યું કે મલાઈકાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું અને હજુ પણ સમજાતું નથી કે બંને રેલવે ટ્રેક પર શા માટે હતા. NYPD અનુસાર, બંનેના મૃત્યુના કેસમાં તપાસ હજુ ચાલુ છે.