ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે ઓરી (Measles) ના વધતા કેસોને પગલે રાજ્યભરમાં કટોકટી (Disaster Emergency) જાહેર કરી છે. વર્ષ 2025 થી અમેરિકામાં ઓરીના કેસો વધી રહ્યા છે. આ સમયગાળામાં અમેરિકાના કોઈપણ રાજ્યે આ પ્રકારની કટોકટી જાહેર કરી હોય, તેવી આ પહેલી ઘટના છે.
ગ્રામીણ વિસ્તારોમાં ફેલાતા કેસોને રોકવા માટે રાજ્ય સરકારે MMR (મીઝલ્સ-મમ્પ્સ-રુબેલા) રસી આપવા માટે અધિકૃત આરોગ્ય કર્મચારીઓનો દાયરો પણ વિસ્તાર્યો છે.
સત્તાવાર આંકડા મુજબ, આ વર્ષે 3 ઓક્ટોબર સુધીમાં ન્યૂયોર્કમાં ઓરીના કુલ 108 કેસ નોંધાયા છે. જેમાંથી 18 કાઉન્ટીના ઓછા રસીકરણ વાળા ગ્રામીણ વિસ્તારોમાં 15 જુલાઈ પછી 92 કેસ સામે આવ્યા છે. આ આંકડા સામાન્ય વાર્ષિક સરેરાશ કરતા ઘણા વધારે છે. આમાંથી 7 કેસ ન્યૂયોર્ક સિટીમાં અને 101 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા 15 જુલાઈથી ગ્રામીણ વિસ્તારોમાં 1,000 થી વધુ MMR રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગવર્નરે જણાવ્યું હતું કે, "રસી દ્વારા રોકી શકાય તેવા રોગથી કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર ન પડવી જોઈએ કે તેનું મૃત્યુ ન થવું જોઈએ." પડોશી રાજ્ય પેન્સિલવેનિયામાં પણ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં 2 ઓક્ટોબર સુધીમાં 977 કેસ અને 5 મૃત્યુ નોંધાયા છે. પેન્સિલવેનિયામાં કુલ કેસ હવે 1,000 ને પાર થઈ ગયા છે. જે છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યનો સૌથી મોટો ફાટી નીકળેલો પ્રકોપ છે. સીડીસી (CDC) મુજબ, 1991 પછી આ વર્ષ અમેરિકા માટે ઓરીની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે, જેમાં દેશભરમાં લગભગ 3,900 કેસ નોંધાયા છે.
નવા ઇમરજન્સી આદેશ હેઠળ રજિસ્ટર્ડ નર્સો શંકાસ્પદ ઓરીના પરીક્ષણોનો ઓર્ડર આપી શકશે અને ફાર્માસિસ્ટ બે વર્ષ સુધીના બાળકોને રસી આપી શકશે. આ સાથે તમામ MMR રસીકરણની માહિતી 72 કલાકની અંદર રાજ્ય અથવા ન્યૂયોર્ક સિટીના ઇમ્યુનાઇઝેશન રજિસ્ટ્રીમાં મોકલવી ફરજિયાત કરવામાં આવી છે. આ કટોકટી સોમવારથી લાગુ થઈ ગઈ છે અને 4 નવેમ્બર સુધી અમલમાં રહેશે.