સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂયોર્કમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: 8ના મોત, 17 ઘાયલ

ન્યૂયોર્કમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: 8ના મોત, 17 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બુધવારે એક ત્રણ માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઈમારતમાં એપાર્ટમેન્ટ્સ આવેલા હતા અને દુર્ઘટના વખતે અંદર ઘણા લોકો હાજર હતા. અત્યાર સુધીમાં આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 3 ફાયર ફાઇટર્સ સહિત ઓછામાં ઓછા 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, તેથી બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ 8 નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ ઘટનાથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું છે. બચાવકર્મીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિઓ વચ્ચે આખી રાત કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાનું અભિયાન ચલાવ્યું છે. મેયરે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ પોતાના પરિચિતનો સંપર્ક ન કરી શકતી હોય તો ન્યૂયોર્ક શહેરમાંથી 311 પર અને શહેરની બહારથી 212-639-9675 પર સંપર્ક કરવા જણાવાયું છે.

દુર્ઘટના સમયે આસપાસ હાજર લોકોએ ભયાનક દ્રશ્યો વર્ણવ્યા છે. ઈમારતની બરાબર પાછળ રહેતા ઈમેન્યુએલા કેરિલસે જણાવ્યું કે પહેલા મોટા વિસ્ફોટ જેવો અવાજ આવ્યો અને ત્યારબાદ ચારેબાજુ લોકોની ચીસો સંભળાવા લાગી. અન્ય એક પ્રત્યક્ષદર્શી ડેશિકે કહ્યું કે તેણે જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. રાહતની વાત એ છે કે બચાવ ટુકડીએ કાટમાળ નીચેથી એક 6 મહિનાની ગર્ભવતી મહિલાને જીવિત બહાર કાઢી છે. મહિલાના પતિએ ભાવુક થઈને બચાવકર્મીઓનો આભાર માન્યો અને પત્ની સુરક્ષિત હોવાની ખુશી વ્યક્ત કરી.

ત્રણ માળની આ ઈમારત અચાનક કયા સંજોગોમાં ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઈમારતના બાંધકામમાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ ટેકનિકલ કારણ જવાબદાર છે, તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાઈ છે.