સત્ય. સાહસ. સંકલ્પ.

યુએન મહાસભા પહેલા ન્યૂયોર્ક એરપોર્ટ પર ફાઇબર કેબલ તૂટતાં સેંકડો ફ્લાઇટ્સ રદ, હજારો વિલંબિત

યુએન મહાસભા પહેલા ન્યૂયોર્ક એરપોર્ટ પર ફાઇબર કેબલ તૂટતાં સેંકડો ફ્લાઇટ્સ રદ, હજારો વિલંબિત

અમેરિકાના ન્યૂયોર્ક સહિત ઉત્તર-પૂર્વીય ભાગના અનેક મોટા એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતાં કલાકો સુધી હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી.

ન્યૂ જર્સીમાં બાંધકામ દરમિયાન એક ફાઇબર-ઓપ્ટિક કેબલ કપાઈ જવાને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની કમ્યુનિકેશન સિસ્ટમ પ્રભાવિત થઈ હતી. આ કેબલ કપાતાં ફિલાડેલ્ફિયા ટ્રેકોન એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર સાથેનું બેકઅપ કમ્યુનિકેશન પણ ખોરવાયું હતું, જેની સીધી અસર એરપોર્ટની વિમાની સેવાઓ પર પડી હતી.

આ ટેકનિકલ ખામીને કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ હતી અને હજારો ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. બાદમાં ટેકનિકલ ટીમોએ કમ્યુનિકેશન લાઇન્સનું સમારકામ પૂર્ણ કરતાં એરપોર્ટની કામગીરી ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ બેકલોગના કારણે વિલંબ યથાવત્ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે બની હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માટે વિશ્વભરના નેતાઓ અને પ્રતિનિધિઓ ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે. પરિણામે, અમેરિકાના વ્યસ્ત એર ટ્રાફિકમાં સર્જાયેલા આ વિક્ષેપની અસર વધુ વ્યાપક જોવા મળી હતી.