સત્ય. સાહસ. સંકલ્પ.

નૂતન વર્ષે દાદાનો સુવર્ણ વાઘો અને સોમનાથમાં ભક્તોની ભીડ, વડોદરામાં 1200 વ્યંજનોનો અન્નકૂટ

નૂતન વર્ષે દાદાનો સુવર્ણ વાઘો અને સોમનાથમાં ભક્તોની ભીડ, વડોદરામાં 1200 વ્યંજનોનો અન્નકૂટ

નવા વર્ષના પ્રારંભે ગુજરાતના ધાર્મિક સ્થળોએ ભક્તિમય ઉજવણી જોવા મળી હતી. બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનાવેલા સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી યોજાઈ હતી. નવા વર્ષના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાળંગપુરધામના સંતોએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના મિની વેકેશન અને તહેવારના માહોલ વચ્ચે દેશના વિવિધ ભાગોમાંથી પરિવાર સાથે આવેલા હજારો શિવભક્તોથી સોમનાથ ધામ ઉભરાઈ ગયું હતું. મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી અને વાતાવરણ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ભક્તોએ પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તેમજ દેશની ખુશહાલી અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ભક્તોના ભારે પ્રવાહને કારણે સોમનાથ ટ્રસ્ટના તમામ પાર્કિંગ સ્થળો અને આસપાસની હોટેલો ભરાઈ ગઈ હતી. દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટે વ્યવસ્થા ગોઠવી હતી, જ્યારે ગીર સોમનાથ પોલીસે મુખ્ય માર્ગો અને ટ્રાફિક પોઈન્ટ્સ પર સુરક્ષા અને વાહનવ્યવહારનું સંચાલન કર્યું હતું.

વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ નવા વર્ષની શરૂઆત સાથે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવર્ધન પૂજા બાદ મહિલા ભક્તોએ તૈયાર કરેલા 1200થી વધુ વિવિધ વ્યંજનો ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતી અને પૂજા-અર્ચના થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.