સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસને શિક્ષણ ક્ષેત્રમાં સુધારો લાવવા માટે નવી 'સ્કૂલ શિક્ષણ નિયમાવલી' સત્તાવાર રીતે જાહેર કરી છે. આ નિયમો હેઠળ 14 વર્ષ સુધીના બાળકો માટે મફત શિક્ષણ, કોચિંગ સેન્ટરો પર નિયંત્રણ, શારીરિક સજા પર પ્રતિબંધ અને ફી તેમજ ડોનેશન અંગે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં પારદર્શિતા, ગુણવત્તા અને સમાનતા લાવવાનો છે. આ પગલાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
નવા નિયમો મુજબ, પ્રશાસન 14 વર્ષ સુધીની વયના બાળકો માટે મફત શાળાકીય શિક્ષણ સુનિશ્ચિત કરશે. પ્રદેશમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, કોચિંગ સેન્ટરો અને બિન-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી વિના કાર્ય કરી શકશે નહીં. તેમણે ત્રણ મહિનાની અંદર મંજૂરી મેળવવાની રહેશે.
શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની શારીરિક સજા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો 14 વર્ષથી નાની વયનો વિદ્યાર્થી ગંભીર શિસ્તભંગ કરે, તો તેને સ્પેશિયલ સ્કૂલમાં મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે. હોમવર્ક કે ક્લાસવર્ક ન કરનાર વિદ્યાર્થીઓને શાળાનો સમય પૂરો થયા બાદ રોકી શકાશે નહીં; તેમને માત્ર રિસેસ (બ્રેક) દરમિયાન જ રોકી શકાશે.
ખાનગી શાળાઓને માન્યતા માટે સંબંધિત બોર્ડના માપદંડો મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું પડશે. શિક્ષણ નિયામકની મંજૂરી વગર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવા પર પ્રતિબંધ મુકાયો છે. ધોરણ 12 સુધીની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈ પ્રવેશ કે ટ્યુશન ફી લેવામાં આવશે નહીં. સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓ પોતાની ફી સંચાલન ખર્ચ અને સુવિધાઓના આધારે નક્કી કરશે, પરંતુ તેઓ કોઈપણ પ્રકારનું ડોનેશન માંગી શકશે નહીં.
શાળાના આચાર્ય અને શિક્ષકો માટે 'કોડ ઓફ કન્ડક્ટ' જાહેર કરાઈ છે. તેના હેઠળ શિક્ષકો પ્રાઈવેટ ટ્યુશન આપી શકશે નહીં તેમજ કોઈ વ્યાપારી પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં. સાથે જ તેઓ કોઈ ભેટ કે ભંડોળ સ્વીકારી શકશે નહીં.