સત્ય. સાહસ. સંકલ્પ.

1 નવેમ્બરથી આ 5 નિયમો બદલાશે: રસોઈ ગેસથી લઈને ટેક્સ સુધી, તમારા બજેટ પર સીધી અસર

1 નવેમ્બરથી આ 5 નિયમો બદલાશે: રસોઈ ગેસથી લઈને ટેક્સ સુધી, તમારા બજેટ પર સીધી અસર

નવેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે અને 1 નવેમ્બર 2026થી દેશમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય માણસના રોજિંદા જીવન પર સીધી અસર કરશે. રસોઈ ગેસના ભાવથી લઈને જીએસટી, આવકવેરા અને પેન્શન સુધીના નિયમોમાં થઈ રહેલા આ ફેરફારો અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

1. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની શક્યતા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે દરોની સમીક્ષા કરે છે. તેથી 1 નવેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ગયા મહિને 1 ઓક્ટોબરે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. ઉપરાંત, એરક્રાફ્ટમાં વપરાતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવો પણ બદલાઈ શકે છે, જેની અસર વિમાન ટિકિટના ભાડા પર પડી શકે છે.

2. વેપારીઓ માટે જીએસટી નિયમો સરળ બનશે

સરકાર ટેક્સ રિફંડની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે 1 નવેમ્બરથી જીએસટીમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહી છે. આ હેઠળ કેટલાક કિસ્સાઓમાં રિફંડ માટે ઓટોમેટિક મંજૂરી આપવામાં આવશે. વધુમાં, વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે નવી સરળ રિટર્ન ભરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે, જેથી તેમને મોટી રાહત મળશે.

3. મોબાઇલ પર દેખાશે કોલ કરનારનું સાચું નામ

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ મોબાઇલ વપરાશકર્તાઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બર 2026થી ટેલિકોમ કંપનીઓએ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સુવિધા લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે જ્યારે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવશે, ત્યારે ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું સત્તાવાર નામ દેખાશે. આ નિયમ લાગુ થવાથી વપરાશકર્તાઓને અજાણ્યા નંબર ઓળખવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ પર નિર્ભર રહેવું પડશે નહીં.

4. પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર ફરજિયાત

કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનધારકોએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં વાર્ષિક 'જીવન પ્રમાણપત્ર' (લાઇફ સર્ટિફિકેટ) જમા કરાવવું ફરજિયાત બનશે. જો આ પ્રમાણપત્ર સમયસર જમા નહીં કરવામાં આવે તો ડિસેમ્બરથી પેન્શન અટકી શકે છે. પેન્શનધારકો બેંક શાખામાં જઈને રૂબરૂ, જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે અથવા પોસ્ટ વિભાગની ડોરસ્ટેપ સુવિધાનો લાભ લઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે, જ્યારે અન્ય પેન્શનધારકો માટે આ પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

5. ઓડિટવાળા કરદાતાઓ માટે આઈટીઆરની છેલ્લી તારીખ લંબાવાઈ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ નાણાકીય વર્ષ 2025-26 માટે જે કરદાતાઓએ પોતાના ખાતાઓનું ઓડિટ કરાવવું પડે છે, તેમના માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. પહેલાં આ તારીખ 31 ઓક્ટોબર હતી, જેને વધારીને હવે 21 નવેમ્બર 2026 કરવામાં આવી છે. જે બિઝનેસ, પ્રોફેશનલ સેવાઓ, કંપનીઓ કે એલએલપી માટે ટેક્સ ઓડિટ ફરજિયાત છે, તેમણે દંડ કે નોટિસથી બચવા માટે 21 નવેમ્બર સુધીમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ વેપાર માટે ઓડિટ જરૂરી ગણાય છે.