સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રાફિક નિયમ તોડનારાને હવે લાઇસન્સ ગુમાવવાનો ભય, સરકારની નવી પોઇન્ટ સિસ્ટમ

ટ્રાફિક નિયમ તોડનારાને હવે લાઇસન્સ ગુમાવવાનો ભય, સરકારની નવી પોઇન્ટ સિસ્ટમ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી 'નેગેટિવ પોઇન્ટ ગ્રેડિંગ સિસ્ટમ'ની જાહેરાત કરી છે. આ પ્રણાલી હેઠળ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચાલકના લાઇસન્સમાંથી પોઇન્ટ કપાશે. નિર્ધારિત મર્યાદા વટાવતા લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થશે, જ્યારે સારા ડ્રાઇવરોને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં છૂટ મળી શકે છે.

આ સૂચિત માળખા હેઠળ, દરેક ડ્રાઇવિંગ લાઇસન્સને ડિજિટલ સ્કોરકાર્ડની જેમ ગણવામાં આવશે. સિગ્નલ તોડવું, ઓવરસ્પીડિંગ અથવા રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા દરેક ઉલ્લંઘન પર ચાલકના લાઇસન્સમાંથી નેગેટિવ પોઇન્ટ કપાશે. જ્યારે આ પોઇન્ટ્સ નિર્ધારિત થ્રેશોલ્ડ મર્યાદા વટાવી જશે, ત્યારે લાઇસન્સ સસ્પેન્ડ થશે. વારંવાર નિયમ તોડનારા કાયમી ધોરણે રદ થતા લાઇસન્સનો સામનો કરી શકે છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે આનો મુખ્ય હેતુ જવાબદાર વાહનચાલકો અને નિયમ તોડનારાઓ વચ્ચે ભેદ પાડવાનો છે. સારા ડ્રાઇવરોને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં છૂટ મળી શકે છે, જ્યારે વારંવાર નિયમ તોડનારાઓ પર કડક કાર્યવાહી થશે. મંત્રીએ કહ્યું, "અમારો હેતુ માર્ગ અકસ્માતો ઘટાડીને નિર્દોષ લોકોના જીવ બચાવવાનો છે."

જોકે, રસ્તાઓ પરના ખાડાઓ અને ભૂવાથી પરેશાન વાહનચાલકો માટે આ નવી સિસ્ટમ સ્વીકારવી પડકારજનક બની શકે છે, કારણ કે રસ્તાઓની ખરાબ સ્થિતિ પોતે જ અકસ્માતનું કારણ બની શકે છે.