સત્ય. સાહસ. સંકલ્પ.

નેતન્યાહૂની ભવિષ્યવાણી: અમેરિકામાં ઈઝરાયલ વિરોધી પ્રમુખ આવી શકે, ભારત સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ

નેતન્યાહૂની ભવિષ્યવાણી: અમેરિકામાં ઈઝરાયલ વિરોધી પ્રમુખ આવી શકે, ભારત સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગામી સંસદીય ચૂંટણી પહેલાં સુરક્ષા નીતિ રજૂ કરી છે. આ નીતિમાં તેમણે ભવિષ્યમાં અમેરિકામાં એવા પ્રમુખ સત્તામાં આવી શકે છે જે ઈઝરાયલ વિરોધી વલણ ધરાવતા હોય તેવી આશંકા વ્યક્ત કરી છે. આથી ઈઝરાયલે ભારત અને લેટિન અમેરિકા જેવા દેશો સાથે રાજદ્વારી સંબંધો મજબૂત કરવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

નેતન્યાહૂએ કહ્યું કે આગામી બે વર્ષમાં અમેરિકામાં પુરુષ કે મહિલા કોઈપણ એવા પ્રમુખ સત્તામાં આવી શકે છે જે ઈઝરાયલના વિરોધી હોય. તેથી ઈઝરાયલે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળનો ઉપયોગ પોતાની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત કરવા માટે કરી લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈઝરાયલે અમેરિકા સાથેના સંબંધો પર કામ ચાલુ રાખવાની સાથે અન્ય શક્તિશાળી દેશો સાથે નવા ગઠબંધન રચવા પડશે. આ સંદર્ભમાં તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત કોઈ નાનો દેશ નથી અને લેટિન અમેરિકામાં પણ રાજકીય પરિવર્તનો આવી રહ્યા છે, જેનો લાભ ઈઝરાયલે લેવો જોઈએ.

નેતન્યાહૂ પહેલાં પણ ભારત અને વડા પ્રધાન મોદી સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. મે મહિનામાં તેમણે ભારતને એક મોટી વૈશ્વિક શક્તિ ગણાવીને ઈઝરાયલ સાથેના તેના ખાસ સંબંધોની પ્રશંસા કરી હતી. જોકે, ઈઝરાયલ માટે અમેરિકા સાથેના સંબંધો હંમેશાં મહત્ત્વના રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં બરાક ઓબામા અને જો બાઇડેન જેવા ડેમોક્રેટિક પ્રમુખના કાર્યકાળ દરમિયાન નેતન્યાહૂ સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહૂની નીતિઓને કારણે જ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઈઝરાયલ પ્રત્યેનું સમર્થન ઘટ્યું છે.

બીજી તરફ, ઈઝરાયલના વિપક્ષી નેતા અને પૂર્વ સેના પ્રમુખ ગાદી આઇઝનકોટે નેતન્યાહૂની આ સુરક્ષા નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નીતિને માત્ર બે પાનાનો દસ્તાવેજ ગણાવીને ચૂંટણી સમયે જનતામાં ડર પેદા કરવાનો અને મતદારોને પ્રભાવિત કરવાનો રાજકીય પ્રયાસ ગણાવ્યો હતો. આઇઝનકોટે ઉમેર્યું કે 7 ઓક્ટોબર, 2023ની ઘટનાઓના લગભગ ત્રણ વર્ષ પછી અને યુદ્ધના આટલા મોરચા ખુલ્લા હોવા છતાં, ચૂંટણીના કેવળ નવ દિવસ પહેલા આવી નીતિ જાહેર કરવી એ ઈઝરાયલ પાસે નક્કર વ્યૂહાત્મક દિશાનો અભાવ દર્શાવે છે.

નેતન્યાહૂના આ નિવેદનના થોડા કલાકો પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં નેતન્યાહૂનું સમર્થન કર્યું હતું. ટ્રમ્પે નેતન્યાહૂને મજબૂત અને બહાદુર નેતા ગણાવ્યા હતા તથા ઈરાન સામેની કાર્યવાહીમાં તેમને પોતાના મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. જોકે, ઈઝરાયલમાં પ્રમુખની પસંદગી સીધી જનતાના વોટથી નહીં પરંતુ સંસદના સભ્યો દ્વારા થાય છે, તેથી ટ્રમ્પના સમર્થનથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું. હાલમાં ઈઝરાયલી રાજકારણમાં નેતન્યાહૂની સુરક્ષા નીતિ અને વૈશ્વિક ગઠબંધનની યોજના ચર્ચાનો મુખ્ય વિષય બની છે.