ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂના સંબોધન સામે ભારે વિરોધ પ્રદર્શન થયું હતું. નેતન્યાહૂ ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ ગાઝા યુદ્ધની વિરોધમાં શહેરના મુખ્ય માર્ગો પર લોકો ઉતરી આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી હતી.
યહૂદી શાંતિ સંગઠન 'જૂઇશ વૉઇસ ફોર પીસ' દ્વારા આ દેખાવોનું આયોજન કરાયું હતું. પ્રદર્શનકારીઓએ 'સ્ટોપ આર્મિંગ ઈઝરાયલ' અને 'એન્ડ ધ જેનોસાઇડ' જેવા સૂત્રો લખેલા બેનરો સાથે રસ્તા પર ધરણાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હોલિવૂડ અભિનેત્રી સુસાન સરંડનની પોલીસે ધરપકડ કરી હતી. ફિલ્મ 'થેલમા એન્ડ લુઇસ'માં કામ કરનારી સરંડનને પોલીસ હાથકડી પહેરાવતી જોવા મળી હતી. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, 'હેક્સ' સિરીઝની અભિનેત્રી હન્ના આઇબાઇન્ડરને પણ પોલીસે સ્થળ પરથી હટાવીને કસ્ટડીમાં લીધી હતી.
એક તરફ ન્યુયોર્કના રસ્તાઓ પર વિરોધ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અંદર પણ નેતન્યાહૂના ભાષણ વખતે અનેક દેશોના પ્રતિનિધિઓએ સભાસ્થળ છોડીને વૉકઆઉટ કર્યો હતો. તેમના ભાષણમાં નેતન્યાહૂએ બ્રિટન અને ફ્રાન્સ પર આકરા પ્રહાર કર્યા હતા, જેમણે તાજેતરમાં પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપી છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે આ દેશો નાના ઈઝરાયલ પર સંસ્થાનવાદનો આરોપ લગાવે છે, પરંતુ 'કોલોનિયાલિઝમ' શબ્દ બનાવનારા તો બ્રિટન અને ફ્રાન્સના લોકો જ છે.
સુસાન સરંડને ગાઝાના યુદ્ધ અંગે અગાઉ પણ અનેક વખત જાહેરમાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. પોતાના મંતવ્યો ખુલ્લેઆમ વ્યક્ત કરવા બદલ તેમને કરિયરમાં કામ ગુમાવવાનો વારો પણ આવ્યો હોવાનું તેમણે તાજેતરમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જણાવ્યું હતું.