નેપાળના નુવાકોટ જિલ્લાના બેત્રાવતી વિસ્તારમાં ત્રિશુલી નદીમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલા કાટમાળ નીચેથી એક મહિલાને 11 દિવસ બાદ જીવિત બહાર કાઢવામાં આવી છે. આ ઘટનાને બચાવ ટીમોએ ચમત્કાર સમાન ગણાવી છે.
મહિલાની ઓળખ બિદુર મ્યુનિસિપાલિટી-10 ની રહેવાસી, લગભગ 55-56 વર્ષનાં ચંડિકા શ્રેષ્ઠા તરીકે થઈ છે. પૂર અને ભૂસ્ખલન સમયે તેઓ ઘરની અંદર હતાં, જેના કારણે તેઓ કાદવ અને પથ્થરોના કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.
નુવાકોટ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી બિપિન રેગ્મીએ જણાવ્યું કે, બચાવ ટુકડીને દટાયેલા મકાનમાંથી ધીમો અવાજ આવતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરીને કાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવ્યું અને કલાકોની મહેનત બાદ ચંડિકા શ્રેષ્ઠાને જીવિત બહાર કાઢવામાં આવ્યાં.
11 દિવસ સુધી અન્ન-જળ વિના કાટમાળમાં રહ્યા છતાં તેઓ સભાન હતાં અને ધીમેથી વાતચીત કરી શકતાં હતાં. તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તબીબોના મતે આ ઘટના અદભુત છે.
આ ઘટનાથી ગુમ પરિવારોમાં નવી આશા જાગી છે. સુરક્ષા દળો હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ ચલાવી રહ્યા છે.