એશિયા કપ 2027 માટે હવે તમામ છ ટીમો નક્કી થઈ ગઈ છે. રવિવારે મલેશિયાના બાયુમાસ ઓવલ ખાતે રમાયેલી ACC મેન્સ પ્રીમિયર કપ 2026ની ફાઇનલમાં નેપાળે UAEને 44 રને હરાવીને ખિતાબ જીત્યો અને એશિયા કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
આ મેચમાં નેપાળના ઓપનર આસિફ શેખે શાનદાર સદી ફટકારી હતી. તેમના આ પ્રદર્શનથી નેપાળની ટીમ મજબૂત સ્કોર સુધી પહોંચી શકી અને આખરે મોટા અંતરથી જીત મેળવી.
ACC પ્રીમિયર કપને એશિયા કપ માટેનો અંતિમ ક્વોલિફાઇંગ તબક્કો ગણવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 એસોસિએટ દેશોએ ભાગ લીધો હતો, જેમાં નેપાળ, UAE, મલેશિયા, કુવૈત, હોંગકોંગ, બહેરીન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સિંગાપોર સામેલ હતા.
એશિયા કપ 2027 વન-ડે ફોર્મેટમાં રમાશે અને બાંગ્લાદેશ તેની યજમાની કરશે. વન-ડે ફોર્મેટમાં ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોની સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. અગાઉ T20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમાં આઠ ટીમો ભાગ લેતી હતી.
એશિયા કપ 2027માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને યજમાન બાંગ્લાદેશને સીધો પ્રવેશ મળ્યો છે. નેપાળ છઠ્ઠી અને છેલ્લી ટીમ તરીકે ટુર્નામેન્ટમાં રમશે.
નેપાળ માટે આ એશિયા કપમાં બીજી એન્ટ્રી હશે. ટીમે 2023માં પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જ્યારે તેને ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ-Aમાં સ્થાન મળ્યું હતું. તે વખતે નેપાળ એક પણ મેચ જીતી શક્યું નહોતું. જોકે ત્યારથી ટીમના પ્રદર્શનમાં અને અનુભવમાં સુધારો થયો છે અને હવે 2027માં તે મોટી ટીમોને પડકાર આપવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.