નેપાળમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. ત્યાં રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ અત્યંત પ્રભાવિત બેત્રાવતી વિસ્તારની સ્થિતિ વર્ણવી છે.
ખજૂરભાઈએ જણાવ્યું કે, આ પૂર સામાન્ય નથી; પાણીને બદલે માટી અને વિશાળ પથ્થરોનું પૂર આવ્યું છે. પહાડો પરથી બે-બે માળ જેવડા પથ્થરો ધસી આવ્યા, જેના કારણે મકાનો, હોટલો અને પુલ કાટમાળમાં ગરકાવ થઈ ગયા છે. કોંક્રિટના બાંધકામો પણ ટકી શક્યા નથી અને આખાં ઘરો બે-બે માળ સુધી કાદવ-માટીમાં દબાઈ ગયાં છે.
સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 1,300 જેટલા લોકોના મોત થયા છે અને 4,000થી 5,000 લોકો ગુમ છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ ગંભીર હોવાનું ખજૂરભાઈ જણાવે છે. ફક્ત બેત્રાવતી વિસ્તારમાં જ 700 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે. જ્યાં 150થી 200 મકાનો હતાં, તે આખું ગામ તાશના પત્તાની જેમ વિખેરાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી જેસીબી વડે રસ્તા સાફ કરતી વખતે જમીનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે, જે દર્શાવે છે કે નીચે મોટી સંખ્યામાં મૃતદેહો દબાયેલા છે.
નેપાળમાં ફસાયેલા કે ગુમ થયેલા ગુજરાતી પ્રવાસીઓ અંગે ખજૂરભાઈએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે અનેક ગુજરાતી પરિવારો સ્વજનોની શોધમાં સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળી નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતી પ્રવાસીની ભાળ મળે તો તુરંત જાણ કરે.
રાહત સામગ્રીમાં મહિલાઓની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવા ખજૂરભાઈએ અપીલ કરી છે. તેમણે કહ્યું કે અનાજ અને રાશન કીટ પહોંચે છે, પરંતુ મહિલાઓ સંકોચને કારણે સેનેટરી પેડ્સ અને અંડરગારમેન્ટ્સ જેવી જરૂરી વસ્તુઓ માંગી શકતી નથી. સંસ્થાઓએ આ સામગ્રી પહોંચાડવામાં શરમ ન રાખવી જોઈએ અને ટીમમાં મહિલા સ્વયંસેવકોનો સમાવેશ કરવો જોઈએ.
ખજૂરભાઈની ટીમ છેલ્લા પાંચ દિવસથી જેસીબી મશીનોથી રાત-દિવસ કાટમાળ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું કામ કરી રહી છે. પીડિતોને શુદ્ધ પાણી, રાશન, ગેસ સિલિન્ડર, કુકર, વાસણો અને સેનેટરી પેડ્સનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
ખજૂરભાઈના ભાઈ તરુણ જાનીએ એક વાયરલ ઘરની ઘટના વિશે જણાવ્યું કે જેમાં 14 લોકો ફસાયા હતા. એક યુવકે દોરડા અને પ્લાસ્ટિક કેરેટની મદદથી બધાને સુરક્ષિત બહાર કાઢ્યા. સામાન બધો તણાઈ ગયો, પરંતુ જીવ બચી ગયા તે મોટી વાત છે.