નેપાળમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદે પહાડી વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન સર્જ્યું છે. અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે.
મનાંગ જિલ્લામાં અન્નપૂર્ણા સર્કિટ ટ્રેક પર આવેલા ચામે ગામમાં પહાડનો મોટો ભાગ તૂટી પડ્યો. તેની સાથે મકાનો, વૃક્ષો અને જંગલ પણ તબાહ થઈ ગયા. આ ભૂસ્ખલનને કારણે નદીનો પ્રવાહ થોડા સમય માટે અટકી ગયો હતો, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું. મનાંગના નાર-ફૂ વિસ્તારમાં ભૂસ્ખલનમાં 10 લોકો, જેમાં પર્વતારોહકો અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે, તેઓ હજુ લાપતા છે.
મ્યાગ્દી જિલ્લામાં કાલી ગંડકી નદી ભયંકર સ્વરૂપમાં વહી રહી છે. તેના તીવ્ર પ્રવાહમાં મોટા વીજ થાંભલા તણાઈ ગયા છે. 220 કિલોવોલ્ટની કાલીગંડકી કોરિડોર ટ્રાન્સમિશન લાઇનના બે ટાવર ધરાશાયી થયા છે, જેના કારણે વીજ પુરવઠો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં ઉત્પાદન બંધ કરવું પડ્યું છે.
મુસ્તાંગ જિલ્લામાં પણ પહાડનો મોટો હિસ્સો તૂટીને નદીમાં પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે છેલ્લા ચાર દિવસમાં 106 જગ્યાએ 100 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. ચીતવનમાં નારાયણી નદી ખતરાના નિશાન પર વહેતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગેંડાકોટમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં એક હોટલનું ક્રૂઝ શિપ તણાઈને નદીના પુલના પિલર પાસે ફસાઈ ગયું, જેના કારણે પુલ પર ટ્રાફિક રોકવો પડ્યો હતો.
આ કુદરતી આફતમાં 260 જેટલા ઘરો સંપૂર્ણપણે તબાહ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.