કાઠમંડુ, 4 સપ્ટેમ્બર: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર અને હિમસ્ખલન બાદ રસુવા અને ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કાટમાળમાં ફસાયેલા 2 શ્રમિકોને 9 દિવસ બાદ જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળી સેનાના રેસ્ક્યૂ ઓપરેશનને આ સફળતા મળી છે, જેનાથી અન્ય ફસાયેલા લોકોના પરિવારોમાં આશા જાગી છે.
નેપાળના ઊર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને ગૃહ મંત્રી સૂદન ગુરુંગે આ બચાવની પુષ્ટિ કરી છે. આ ઘટનાને નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે 'હિમાલયન સુનામી' ગણાવી હતી. ભારતની ટનલ રેસ્ક્યૂ ટીમ પણ નેપાળી સેના સાથે મળીને ચિલિમે પાવર હાઉસ અને અન્ય ટનલોમાં બચાવ કામગીરી કરી રહી છે. ટીમો ખાસ સાધનોથી ટનલમાં 100 મીટર સુધી પહોંચી ગઈ છે.
રાષ્ટ્રીય આપદા જોખમ ન્યુનીકરણ અને પ્રબંધન પ્રાધિકરણના ડેટા મુજબ, ગુરુવાર સુધીમાં આ પૂરને કારણે મૃત્યુઆંક વધીને 1259 થઈ ગયો છે, જ્યારે 5083 લોકો હજુ પણ ગુમ છે. વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી આશરે 900 શ્રમિકો લાપતા છે, જેમાંથી લગભગ 500 જેટલા શ્રમિકો હજુ પણ સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે.
દિવસો વિતવા છતાં સ્વજનોની કોઈ માહિતી ન મળતા અને મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બનતા પીડિત પરિવારોએ હિમ્મત હારી છે. રસુવા જિલ્લાના પહરેબેસી ગામ સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિવારોએ હિન્દુ ધર્મમાં પવિત્ર મણાતા 'કુશા ઘાસ'માંથી પૂતળા બનાવીને પોતાના લાપતા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.
દરમિયાન, ભારે વરસાદના કારણે રસુવા, નુવાકોટ, કાઠમંડુ અને ભક્તપુર સહિતના અનેક જિલ્લાઓમાં નદીઓનું જળસ્તર વધતા હજુ પણ પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.