સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળના પૂરમાં 1340 મોત, 5000 ગુમ; 13મા દિવસે રાષ્ટ્રીય શોક

નેપાળના પૂરમાં 1340 મોત, 5000 ગુમ; 13મા દિવસે રાષ્ટ્રીય શોક

કાઠમંડુ, 7 સપ્ટેમ્બર: નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરને 13 દિવસ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનામાં 1340થી વધુ લોકોના મોત થયા છે જ્યારે આશરે 5000 લોકો હજુ ગુમ છે. 13મા દિવસે નેપાળ સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, અને સરકારી કચેરીઓ તથા દૂતાવાસો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

હિન્દુ પરંપરામાં નિધન બાદ 13મો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી સરકારે આ દિવસે રાષ્ટ્રીય શોક રાખવાનો નિર્ણય લીધો હતો. આ સમયગાળા દરમિયાન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

આ પૂર ચીન સરહદ નજીક રસૂવા વિસ્તારમાં હિમાલય પરથી બરફ અને ખડકો ખસવાને કારણે આવ્યું હતું. તેની અસર નુવાકોટ, ધાદિંગ સહિતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કાંઠે ભારે વિનાશ સર્જાયો હતો. આ હોનારતમાં 32 હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા છે અને આશરે 7,500 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. વધુમાં, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને સરકારી ઇમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે.

ગુમ થયેલા લોકોમાં 589 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. કાટમાળ અને હાઇડ્રોપાવર ટનલોમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે નેપાળી સુરક્ષા દળો અને વિદેશી નિષ્ણાત ટીમો કાર્યરત છે. ભારતની નિષ્ણાત ટીમ પણ બચાવ કામગીરીમાં સામેલ છે.

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાંથી 41 મજૂરોને બચાવનારા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, નેપાળમાં હાલ અનેક અલગ-અલગ બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં પડકારો અલગ છે. તેમણે કહ્યું કે મુશ્કેલ કામને અશક્ય ન માનવું જોઈએ અને આશાને સતત કામગીરીમાં બદલવી જરૂરી છે.

આ સાથે, મંગળવારે 8 સપ્ટેમ્બરે નેપાળમાં 'જેન ઝી શહીદ દિવસ' નિમિત્તે જાહેર રજા રહેશે. ગયા વર્ષે આ જ તારીખે કાઠમંડુમાં Gen Zના નેતૃત્વમાં વિરોધ દરમિયાન ગોળીબારમાં 72 લોકોના મોત થયા હતા. આમ, નેપાળ એકસાથે બે મોટી ઘટનાઓનું સ્મરણ કરી રહ્યું છે.