સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળ પૂરમાં ગુમ થયેલા જાફરાબાદના મહંત ગોમતીદાસ સલામત પરત, ભક્તોએ ઢોલ વગાડીને કર્યું સ્વાગત

નેપાળ પૂરમાં ગુમ થયેલા જાફરાબાદના મહંત ગોમતીદાસ સલામત પરત, ભક્તોએ ઢોલ વગાડીને કર્યું સ્વાગત

નેપાળમાં પૂરની હોનારત બાદ ગુમ થયેલા જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ ઉર્ફે કમત્રપ્રસાદ બાબુલાલ સલામત રીતે પરત ફર્યા છે. તેમના આગમનથી ભક્તો અને સેવકગણમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ગત 10 તારીખે ગોમતીદાસ બાપુ સાધુ સમાજની સાથે અયોધ્યાથી નેપાળની ધાર્મિક યાત્રાએ ગયા હતા. આ દરમિયાન નેપાળમાં ભારે પૂરની હોનારત સર્જાતા તેમનો સંપર્ક તૂટી ગયો હતો અને તેઓ ગુમ થયા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી ગુમ લોકોની સત્તાવાર યાદીમાં મહંત ગોમતીદાસ બાપુનું નામ 20મા ક્રમે દર્શાવાયું હતું.

લાંબા સમય સુધી મહંત સાથે કોઈ સંપર્ક ન થતાં જાફરાબાદ અને આસપાસના વિસ્તારના તેમના સેવકગણ તથા ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી હતી. જો કે, નેપાળની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ જાફરાબાદ પરત ફરતા ચિંતાના વાદળો હટી ગયા હતા.

મહંતના આગમન પર જાફરાબાદ ખાતે ભક્તો દ્વારા ઢોલના તાલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુને સહી-સલામત જોઈને સમગ્ર વિસ્તારમાં હર્ષ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.