સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળમાં પૂરમાં મળેલી કિંમતી વસ્તુઓ વેચવી ગેરકાયદેસર, પોલીસની કડક ચેતવણી

નેપાળમાં પૂરમાં મળેલી કિંમતી વસ્તુઓ વેચવી ગેરકાયદેસર, પોલીસની કડક ચેતવણી

નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલન બાદ નેપાળ પોલીસે નાગરિકો માટે કડક સૂચના જાહેર કરી છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, પૂરના પાણી કે કાટમાળમાંથી મળેલી સોના-ચાંદીની વસ્તુઓ, રોકડ રકમ કે અન્ય કિંમતી સામાન પોતાની પાસે રાખવો, વેચવો કે વહેંચવો એ ગેરકાયદેસર છે. આવી તમામ વસ્તુઓ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.

પોલીસે આ ચેતવણી ખાસ કરીને ધાદિંગ જિલ્લામાં બનેલી એક ઘટના બાદ આપી છે. ત્રિશૂલી નદીના કિનારે પૂરના પાણીમાં તણાઈને આવેલી બેંકની એક તિજોરી તોડીને તેમાંથી રોકડ રકમ ચોરી કરવા બદલ 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય કેટલાક સોશિયલ મીડિયા વીડિયોમાં લોકો કાટમાળમાંથી નોટોની ગડ્ડીઓ શોધતા અને મૃતદેહો પરથી દાગીના ચોરતા જોવા મળ્યા હતા, જેના પગલે કાનૂની કાર્યવાહીના આદેશ અપાયા છે.

26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબ્બત સરહદ નજીક હિમપ્રપાત અને ભૂસ્ખલનના કારણે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરથી ઉત્તરી અને મધ્ય નેપાળમાં ભારે વિનાશ સર્જાયો છે. આ હોનારતમાં 1,300 થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 5,000 લોકો હજુ પણ લાપતા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રાથમિક અંદાજ મુજબ $2.56 અબજનું નુકસાન થયું છે.

માનવીય સંકટ પહોંચી વળવા માટે નવી દિલ્હી સ્થિત નેપાળી દૂતાવાસે ભારતમાં રહેતા નેપાળી નાગરિકો, સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને 'પ્રધાનમંત્રી આપદા રાહત કોષ'માં ઉદારતાથી દાન આપવા અપીલ કરી છે.