સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળ પૂર: રૂટ બદલતાં ગુજરાતી દંપતી બચ્યું, 47 સાથીઓનો સંપર્ક તૂટ્યો

નેપાળ પૂર: રૂટ બદલતાં ગુજરાતી દંપતી બચ્યું, 47 સાથીઓનો સંપર્ક તૂટ્યો

નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓના સંબંધમાં નવી માહિતી સામે આવી છે. અમેરિકામાં રહેતા ગુજરાતી દંપતી, હેમંત પરીખ અને તેમનાં પત્ની, છેલ્લી ઘડીએ પોતાનો માર્ગ બદલવાના કારણે બચી ગયાં છે. જોકે, તેમના ગ્રુપના 47 સાથીઓનો હજુ પણ કોઈ સંપર્ક થયો નથી.

હેમંત પરીખે જણાવ્યું કે, "આજે 12-13 દિવસ થઈ ગયા છે. નેપાળમાં ભયંકર પૂર 25મી તારીખે આવ્યું હતું, અને આજે 6મી તારીખ છે. અમારા ગ્રુપના સાથીઓનો હજુ સુધી કોઈ સંપર્ક નથી. ઘણા પરિવારજનો પણ અહીં નેપાળ આવી ગયા છે."

હેમંત પરીખ મૂળ પાટણના છે, પરંતુ છેલ્લા 50 વર્ષોથી અમેરિકામાં રહે છે. તેઓ એટલાન્ટા, જ્યોર્જિયામાં પત્ની અને પરિવાર સાથે રહે છે. કૈલાશ યાત્રા તેમનું સપનું હતું, એટલે આ વર્ષે તેઓ નીકળ્યા હતા. તેમના ગ્રુપને 24મી તારીખે નેપાળથી કૈલાશ જવાનું હતું.

પણ હેમંતભાઈએ પહેલાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જવાનું નક્કી કર્યું. એ માટે તેમને ચીનનો વિઝા જોઈતો હતો. વિઝા મળતાં તેઓ 10મી ઓગસ્ટે અમેરિકાથી નીકળી ગયા અને દિલ્હી, કાઠમંડુ થઈને લ્હાસા પહોંચ્યા. લ્હાસાથી તેઓ સાગામાં ગ્રુપ સાથે ભળવાના હતા.

જ્યારે નેપાળમાં પૂર આવ્યું ત્યારે હેમંતભાઈ દંપતી તિબેટ સાઇડના એવરેસ્ટ બેઝ કેમ્પમાં હતા. રાત્રે તેમના પરિવારજનોએ ફોન કરીને પૂરની જાણ કરી. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેમના ગ્રુપના સાથીઓ ભયંકર કાટમાળમાં છે.

હેમંતભાઈએ જણાવ્યું, "અમને 2-3 ફોન આવ્યા અને પૂછ્યું કે તમને તો કોઈ તકલીફ નથી ને? પછી અમને વિચાર આવ્યો કે અમારું ગ્રુપ ક્યાં હશે? અમે ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈનો જવાબ ન મળ્યો. ટ્રાવેલ કંપનીમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે બધા પૂરમાં ફસાઈ ગયા છે."

ગ્રુપના સભ્યો 24મી તારીખે નીકળ્યા હતા. તેમને વિઝા મળ્યા નહોતા, એટલે તેઓ ચીનના ઇમિગ્રેશન સેન્ટર પર વિઝાની રાહ જોતા હતા. સવારે 8:30 વાગ્યાની આસપાસ કેટલાક લોકો નાસ્તો કરતા હતા, ત્યાં જ અચાનક પૂર આવ્યું અને આખું ઇમિગ્રેશન બિલ્ડિંગ ધોવાઈ ગયું. બિલ્ડિંગ મોટું અને મજબૂત કોંક્રિટનું હતું, છતાં પાણીમાં સાફ થઈ ગયું.

હેમંતભાઈ હાલમાં કાઠમંડુમાં છે અને તેમના સાથીઓની શોધમાં સ્થાનિક વહીવટીતંત્ર અને પરિવારજનો સાથે સંપર્કમાં છે. અમેરિકાથી પણ ઘણા લોકો તેમને ફોન કરીને પૂછે છે કે, "મારી બહેનને જોઈ?" આ દંપતીનો બચાવ ચમત્કારિક માનવામાં આવે છે.