નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે ઉતરાણ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ જતાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું છે. ઘટનામાં ન્યૂઝીલેન્ડના એક નાગરિક ઘાયલ થયા છે, જેઓ ભારતીય મૂળના છે. બંને હેલિકોપ્ટરના પાયલટ પણ ઈજાગ્રસ્ત થયા છે.
સોલુખુમ્બુ જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગે જણાવ્યું કે ઘટના સવારે 8 વાગીને 11 મિનિટે સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર બની. આ સ્થળ ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. અહીં ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે બંને એકબીજા સાથે અથડાયા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફિશટેલ એરના હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પર્યટક વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. આ જ હેલિકોપ્ટરમાં સવાર ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે.
ઘાયલ શૈલેષને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી બચાવીને કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાયલટને પણ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. મૃતક ભારતીય પર્યટકનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે.
ફેરીચે એવરેસ્ટ વિસ્તારમાં આવેલું છે અને અહીં આવવા-જવા માટે હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ થાય છે. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા અને તેમની ટક્કર કયા કારણોસર થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.