નેપાળના ગોરખા જિલ્લાના આરુઘાટ વિસ્તારમાં બુઢી ગંડકી નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે ભારે તબાહી સર્જાઈ છે. વહેલી સવારે 4 વાગ્યાના અંદાજે આવેલા આ પૂરમાં 100થી વધુ ઘર અને 6થી વધુ પુલ તણાઈ ગયા છે. દોભાન, ઘટ્ટેખોલા, જગત, સલ્લેરી, ચુમાનુબરી અને ધાર્ચે ગામોને ભારે નુકસાન થયું છે.
ગોરખા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રકુમાર મિશ્રાએ જણાવ્યું કે વહેલી સવારે આવેલા પૂરમાં આશરે 100 ઘર વહી ગયાનું અનુમાન છે. ઉપરાંત નાના-મોટા 6થી વધુ પુલ તણાઈ ગયા છે અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. ચુમાનુબરીથી ન્યાકચેત-સિર્દિબાસને જોડતો પુલ પણ પૂરમાં વહી ગયો હતો. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ જાનમાલના નુકસાન અંગે ચોક્કસ આંકડા મળ્યા નથી.
નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ નદીમાં પૂરની આશંકા વચ્ચે ચેતવણી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવાયું હતું કે ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકા-6 તરફથી બુઢી ગંડકી નદીમાં પૂરનું પાણી આવી રહ્યું છે. આથી આરુઘાટથી ત્રિશૂલી દોભાન સુધી નદીકાંઠે ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. નદીનું જળસ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી નદીકાંઠે જવાનું ટાળવા અને જરૂર પડે તો સલામત ઊંચાણવાળા સ્થળે જવા અપીલ કરવામાં આવી છે.
આ પહેલાં ઓગસ્ટના અંતમાં આવેલી ભયાનક પૂરની ઘટનાને કારણે આ વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પૂરમાં 1,400થી વધુ લોકોના મોત થયા હતા અને 6,000થી વધુ લોકો ગુમ થયા હતા, જોકે આ આંકડાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. 26 ઓગસ્ટે રસુવા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાંથી શરૂ થયેલી આ આફત નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સુધી પહોંચી હતી અને રસ્તા, પુલ તથા પાયાના માળખાને ભારે નુકસાન થયું હતું.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિમાલયના પ્રદેશમાં વધી રહેલા કુદરતી જોખમોનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાલ બુઢી ગંડકી નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.