હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની 25 વર્ષીય નેહા ઠાકુરે એર હોસ્ટેસ બનવાનું સપનું છોડીને ટ્રક ડ્રાઇવર બનવાનું પસંદ કર્યું છે. આજે તેઓ હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર તરીકે ઓળખાય છે અને લાખો મહિલાઓ માટે પ્રેરણા બની છે.
નેહાના પિતા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ટ્રક ચલાવે છે. બાળપણમાં પિતા ઘણીવાર ટ્રકમાં જ તેને શાળાએ મૂકવા જતા હતા. ત્યારથી જ તેને ગાડીઓ અને પહાડી રસ્તાઓ સાથે જોડાણ બંધાઈ ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી નેહાએ ચંદીગઢથી એર હોસ્ટેસની તાલીમ લીધી અને એવિએશન ક્ષેત્રમાં પણ કામ કર્યું. જોકે કોરોના મહામારી દરમિયાન સ્થિતિ બદલાતાં તેણે બાળપણના શોખને જ કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. વર્ષ 2022માં તેણે હેવી મોટર વ્હીકલ (HMV) લાઇસન્સ મેળવ્યું અને હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર બની નવો ઇતિહાસ રચ્યો.
નેહા આજે સફળ ટ્રક વ્લોગર પણ છે. રોજ સવારે ટ્રક સ્ટાર્ટ થતાં જ તેનો કેમેરો પણ ચાલુ થઈ જાય છે. હિમાચલના સાંકડા અને જોખમી વળાંકો, ગાઢ ધુમ્મસ, મુશળધાર વરસાદ અને માલસામાનના લોડિંગ-અનલોડિંગના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. પહાડી રસ્તા પરના તેના એક વીડિયોને 6 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આજે તેને દેશભરમાંથી પ્રશંસા અને મોટી બ્રાન્ડ્સ તરફથી એડ ડીલ્સ પણ મળી રહી છે.
જ્યારે લોકો તેને પૂછે છે કે એર હોસ્ટેસની ચમકદાર નોકરી છોડીને ટ્રક કેમ ચલાવવો પડ્યો, ત્યારે તેનો સરળ જવાબ હોય છે – ‘ટ્રક કેમ નહીં?’ નેહાનું માનવું છે કે પુરુષપ્રધાન ગણાતા ક્ષેત્રોમાં મહિલાઓ અંગેની જૂની માનસિકતા બદલવી જરૂરી છે. સમાજની ચિંતા કર્યા વગર પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવાથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આજે નેહાની સફર દેશની અનેક દીકરીઓને નીડર બનીને પોતાની પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવાની પ્રેરણા આપી રહી છે.